સંતરામપુર ખાતે કચરા વ્યવસ્થાપન સેમિનાર અને વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટની મુલાકાત યોજાઈ: “સ્વસ્થ નાગરિક – સશક્ત રાષ્ટ્ર”નો અપાયો સંદેશ

મહીસાગર જિલ્લામાં ‘મિશન લાઇફ’ અંતર્ગત પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી માટે વિશેષ ઝુંબેશ
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
સંતરામપુર ખાતે કચરા વ્યવસ્થાપન સેમિનાર અને વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટની મુલાકાત યોજાઈ: “સ્વસ્થ નાગરિક – સશક્ત રાષ્ટ્ર”નો અપાયો સંદેશ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા વૈશ્વિક અભિયાન ‘મિશન લાઇફ’ (Mission LiFE – Lifestyle for Environment) અંતર્ગત મહીસાગર જિલ્લામાં ક્લાઈમેટ ચેન્જની અસરોને નાથવા અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા માટે વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઝુંબેશના ભાગરૂપે સંતરામપુર ખાતે કચરો વ્યવસ્થાપન અને સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઉપસ્થિતોએ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટની રૂબરૂ મુલાકાત (વિઝીટ) લઈ કચરાના નિકાલની પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.
સેમિનારમાં ઉપસ્થિત પર્યાવરણ સંરક્ષણ અને કચરા વ્યવસ્થાપન ક્ષેત્રના તજજ્ઞો દ્વારા સુકો અને ભીનો કચરાનું સચોટ વિભાજન, રિસાયક્લિંગની પ્રક્રિયા તેમજ સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણના નિર્માણમાં નાગરિકોની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય “સ્વસ્થ નાગરિક – સશક્ત રાષ્ટ્ર” ના મંત્રને જન-જન સુધી પહોંચાડી લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો રહ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ, મિશન લાઇફના પ્રતિનિધિશ્રી પ્રિયંકા જોશી, અંજલિ જોશી તેમજ સ્વચ્છતા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓએ પર્યાવરણ રક્ષા માટેના સંકલ્પ લીધા હતા અને પોતાની દૈનિક જીવનશૈલીમાં પર્યાવરણલક્ષી ફેરફારો લાવવા કટિબદ્ધતા દર્શાવી હતી.




