જાણીતા સામાજિક અને મીડિયા ક્ષેત્રના આગેવાન મયુરદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા, અરવિંદ કેજરીવાલની હાજરીમાં કર્યું સત્તાવાર જોડાણ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ગુજરાતના જાણીતા પત્રકાર, સામાજિક કાર્યકર અને રાજકીય ક્ષેત્રમાં સક્રિય આગેવાન મયુરદાન ગઢવી આજે આમ આદમી પાર્ટી સાથે સત્તાવાર રીતે જોડાયા છે. અમદાવાદ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના હસ્તે ખેસ ધારણ કરીને તેમણે પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે પાર્ટીના અનેક અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. મયુરદાન ગઢવીના પાર્ટીમાં જોડાવાને લઈને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
મયુરદાન ગઢવી છેલ્લા ઘણા વર્ષોથી મીડિયા, સામાજિક સેવા અને જાહેર હિતના મુદ્દાઓ પર સક્રિય રહ્યા છે. તેઓ હાલમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજિ. નવી દિલ્હી)ના ગુજરાત રાજ્ય પ્રમુખ તરીકે સતત બે ટર્મથી કામગીરી કરી રહ્યા છે. પત્રકારોના હકો અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર તેઓ લાંબા સમયથી અવાજ ઉઠાવતા રહ્યા છે. ઉપરાંત તેઓ વંદે વિશ્વ ન્યૂઝપેપર અને VV Newsના માલિક તથા સંપાદક તરીકે પણ જાણીતા છે અને વિવિધ સામાજિક તથા જાહેર હિતના મુદ્દાઓ પર લેખન અને અભિયાન ચલાવતા રહ્યા છે.
રાજકીય ક્ષેત્રમાં પણ તેમનો નોંધપાત્ર અનુભવ રહ્યો છે. તેઓ અગાઉ શિવસેના ગાંધીધામ અધ્યક્ષ તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) કચ્છ જિલ્લા અધ્યક્ષ તરીકે મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાયેલા રહ્યા હતા અને ખાસ કરીને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમર્થક તરીકે ચૂંટણી દરમિયાન સક્રિય રીતે કાર્ય કર્યું હતું.
પરંતુ તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓને કારણે તેઓ ભાજપની નવી વિચારધારાથી અસંતોષ અનુભવી રહ્યા હતા. ખાસ કરીને શંકરાચાર્ય મહારાજના અપમાન જેવી ઘટનાથી તેઓ ખૂબ જ દુખી અને વ્યથિત થયા હતા. આ મુદ્દાને ગંભીરતાથી લઈને તેમણે ભાજપથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન મયુરદાન ગઢવીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી સ્વચ્છ રાજકારણ, પારદર્શિતા અને જનકેન્દ્રિત શાસન માટે જાણીતી છે. દિલ્હીની શિક્ષણ, આરોગ્ય અને મૂળભૂત સુવિધાઓમાં થયેલા સુધારાઓ તેમને પ્રેરણા આપતા રહ્યા છે. આ વિચારધારાથી પ્રેરાઈને તેમણે પાર્ટી સાથે જોડાઈને જનસેવા કરવાનો સંકલ્પ લીધો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કચ્છ અને મોરબી સહિતના વિસ્તારોમાં સંગઠનને મજબૂત બનાવવા અને સામાન્ય લોકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા માટે તેઓ સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરશે. યુવાનો, ખેડૂતો, વેપારીઓ અને પત્રકારો સહિત વિવિધ વર્ગોના મુદ્દાઓને ઉઠાવવા માટે તેઓ પાર્ટી સાથે મળી કામ કરશે.
આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા પણ મયુરદાન ગઢવીના પાર્ટીમાં જોડાવાને મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું હતું. આગેવાનોના જણાવ્યા મુજબ તેમની સામાજિક અને મીડિયા ક્ષેત્રની અનુભવો પાર્ટીને ગુજરાતમાં વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.
કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને મયુરદાન ગઢવીના જોડાણને આવકાર આપ્યો હતો.




