DEDIAPADAGUJARATNARMADA

દેડિયાપાડામાં ખૂપર, ડુમખલ ગામ-ક્લસ્ટરમાં ખેતૂડોને તાલીમ અપાઈ

દેડિયાપાડામાં ખૂપર, ડુમખલ ગામ-ક્લસ્ટરમાં ખેતૂડોને તાલીમ અપાઈ

તાહિર મેમણ- ડેડીયાપાડા- 18/07/2025 – રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો ઝેરી રસાયણો વગરની ખેતી તરફ વળે, ઉત્પાદન ખર્ચ ઓછો થાય અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તેવા હેતુસર પ્રાકૃતિક કૃષિને ધ્યાને રાખીને વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આ સંદર્ભે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં “આત્મા પ્રોજેક્ટ”ના સહયોગથી ત્રણ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર બેઝ પ્રાકૃતિક ખેતીની તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

 

આ તાલીમ કાર્યક્રમો અંતર્ગત સાગબારા તાલુકામાં પલાસવાડા, અમીયાર, બોરડી ફળી, રણબુડા નાંદોદમાં રાજુવાડીયા, ગરૂડેશ્વરમાં ડૂરચા, દેડિયાપાડામાં ખૂપર અને ડુમખલ સહિતના ગામ-ક્લસ્ટર મુજબ ખેડૂતોને કુદરતી ખેતી કરવા માટે તાલીમ આપવામાં આવી હતી. CRP (Community Resource Person) અને માસ્ટર ટ્રેનર્સ દ્વારા ગામે ગામ જઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનાં સિદ્ધાંતો જેવી કે જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, મલ્ચિંગ વગેરે વિષયોમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

 

દરેક તાલીમમાં સ્થાનિક સ્તરે ખેડૂતોની ઉપસ્થિતિ પણ ઉત્સાહજનક રહી છે, મોટી સંખ્યામાં ખેડૂતો ભાગ લઈ રહયા છે. ખાસ કરીને મહિલા ખેડૂતોની ભાગીદારી મહત્વની જણાઈ રહી છે. આ તાલીમોના કારણે ઘણા ખેડૂતો હાલની રાસાયણિક ખેતીમાંથી બહાર આવી પ્રાકૃતિક પદ્ધતિ અપનાવા માટે ઉત્સુક છે.

 

આ કાર્યક્રમો જમીનની દીર્ઘકાલીન તંદુરસ્તી, ખેતી ખર્ચમાં ઘટાડો અને પાકોની ગુણવત્તા વધારવા માટે કેન્દ્રિત છે. તાલીમ દરમિયાન વૈજ્ઞાનિક ભાષામાં સરળ રીતે સમજાવટ, પ્રયોગાત્મક દેખાવ તેમજ પ્રશ્નોત્તરીથી ખેડૂત સંવાદ જેવી પ્રવૃત્તિઓ પણ યોજાઈ રહી છે.

 

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા સાથે કુદરતને અનુકૂળ ખેતી પદ્ધતિ વિકસાવવાનો છે, જેથી પેઢીદર આ પધ્ધતિથી ખેતી અને જીવનશૈલી ટકાવી શકાય.

Back to top button
error: Content is protected !!