
નર્મદા વડોદરાને જોડતા પોઇચા પુલ ઉપર ભારે વાહનોને પ્રતિબંધ હોવા છતાં ભારે ડમ્ફરોની આવનજાવન માટે કોના આશીર્વાદ..!??
ત્યાં ઉપસ્થિત ટીઆરબી જવાન કહે છે કે રોડનું કામ ચાલુ છે એ ટ્રકો ચાલે છે તો પછી સામાન્ય જનતા માટે પુલ બંધ કેમ ….!??
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા અને વડોદરા જિલ્લાને જોડતા અગત્યના એવા પોઇચા રંગસેતુ બ્રિજને થોડા સમય અગાઉ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. બંને તરફના જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને બ્રિજ ઓવરલોડ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થનાર ભારે વાહનોને હવે તિલકવાડા દેવલીયા થઈને લાંબો ફેરો મારવાનો વારો આવ્યો છે ત્યારે સમય ઈંધણ અને પૈસા તમામનો વેડફટ થઈ રહ્યો છે જે પ્રજાના માથે બોઝ સમાન છે
જોકે હાલ રાજપીપળા થી વડોદરા સુધી ફોર લેન રસ્તા નું કામ ચાલુ છે તો આ કામગીરી માટે ચાલતા કોન્ટ્રાક્ટરના ડમ્ફર પોઇચા પુલ ઉપર ભારે વાહનોનો પ્રતિબંધ હોવા છતાં બેફામ અવરજવર કરી રહ્યા છે તો શું કોન્ટ્રાક્ટરો માટે પોઇચા પુલ મજબૂત છે અને સામાન્ય જનતા માટે નબળો છે ? તંત્રની બેવડી નીતિથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ બેદરકારી માટે જવાબદાર કોણ તે મોટો સવાલ ઉભો થયો છે
પોઇચા પુલના બંને છેડે લોખંડની રેલીંગ મારવામાં આવી હતી જેથી ભારે વાહનો પસાર ના થઈ શકે ત્યારે બંને તરફ લોખંડની રેલીંગ પણ કાઢી નાખવામાં આવી છે તો શું તંત્ર તરફથી કોન્ટ્રાક્ટરો ને છૂટો દોર આપવામાં આવ્યો છે … ઉપરાંત ત્યાંથી રોડ બનાવવા ચાલતા ભારે વાહનો સિવાય અન્ય વાહનો પણ ૫૦_૧૦૦ રૂપિયા આપી પસાર થવા દેવામાં આવતા હોવાની લોક મુખે ચર્ચા છે તો સવાલ એ છે કે જો પુલ મજબૂત છે તો સામાન્ય જનતાના ભારે વાહનો સરકારી બસો માટે પોઇચા પુલ નબળો છે !? અને કોન્ટ્રાકટર ના વાહનો માટે મજબૂત છે ??? તંત્રની આવી બેવડી નીતિથી સામાન્ય જનતા શાળાના બાળકો તેમજ કાર્ટિંગ નો વ્યવસાય કરતા ટ્રક માલિકોમાં રોષ જોવા મળી રહ્યો છે
તંત્ર પુલનો લોડ ચેક કરે અને જાહેરમાં તેનું માપદંડ નુ બોર્ડ લગાવે તેમજ જો ભારે વાહનો પસાર થાય એમ હોય તો દરેક વાહનોને પસાર થવા દેવાય અને સરકારી બસો પણ ચાલુ કરાય તેવી લોક માંગ ઉઠી છે જો પુલ લોડ ટેસ્ટ માં નબળો જણાય તો ભારે વાહનો માટે સદંતર પોઇચા પુલ બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે જેથી ગંભીરા બ્રિજ જેવી ગોઝારી ઘટનાનું પુનરાવર્તન ન થાય




