આજે પણ પંજાબની એ દિવાલો અશ્રુ વરસાવે છે….શા માટે??

“વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ!”શહિદીનું સન્માન-બાલદિવસ ૨૬ ડીસેમ્બર
ગુરુદ્વારા શ્રી ગુરુ સિંઘ સભા જામનગર ટ્રસ્ટ દ્વારા હાલ શહિદ સપ્તાહની ઉજવણી દ્વારા ધર્મ માટે જીવન ન્યોછાવર કરનાર અમર શહિદો તે પણ બાળકોની સ્મૃતિ કાયમ રાખવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને સૌ ટ્રસ્ટીઓ પુરી સમર્પિતતાથી ધર્મ ધરોહર અને ધીરતા-વિરતાની મીશાલને પ્રગટ રાખી રહ્યા હોઇ હાલ જામનગરમાં કરૂણાભાવ સાથે ખુમારી ભાવ ,વીરતા સાથે ધીરતાભાવ,અડગતા સાથે ધર્મભાવનાના ઇતિહાસને સદાય જીવંત રાખી શીખ સંપ્રદાયના દરેક બાળકો યુવાનો વડીલો ભાઇઓ બહેનો સૌ ને ખાસ ઉજવણીમાં સહભાગી બનાવી જાજરમાન શહિદી અંગે વાકેફ કરવાનો ભગીરથ યજ્ઞ જામનગર ગુરૂદ્વારા માં હાલ વિશેષ ધર્મજ્યોત પ્રસરાવીરહ્યા છે
અમરજીતસિંઘજી,રણજીતસિંઘજી લુબાના,હરદીપસિંઘજી ભોગલ સહિત સૌ સમર્પિત સેવાદારો એ જણાવ્યુ હતુ કે આપણી સંસ્કૃતિ અનેક બલિદાનો,અથાગ પરીશ્રમ,કઠીન કસોટીઓ,સમર્પિત જીવન,અસંખ્ય શહિદીઓના કારણે ટકી રહી છે અને માટે જે મુખ્ય વાત છે તે એ છે કે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આ ગૌરવવંતા અવસરને ,શહિદીને અમરત્વ આપવા ૨૬ ડીસેમ્બરના બાલદિન જાહેર કર્યો છે તેમજ હાલ એ મુજબ શહિદ સપ્તાહ ઉજવાય છે ત્યારે પ્રદર્શની,ઇતિહાસની અનેક વાતો અને કથાઓ,ધર્મ પ્રત્યેના આદરના મહત્વ,સાથે સાથે કેસર ઘોળેલા દૂધની પ્રસાદી સહિત વિધ વિધ પ્રસાદીઓ તેમજ અનેકવિધ પ્રકલ્પોથી હાલ ધર્મની ધરીને અવિરત ગતિશીલતા પ્રદાન કરવાની જહેમત ઉઠાવાઇ રહી છે જે દરેક પેઢી માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના અવસરવસમાન છે કેમકે એ વખતની ધર્મનિષ્ઠાની બુલંદીની સ્મૃતિ કાયમ રાખવાની છે
આ સાથે કમીટી એ જણાવેલી બાબતો નીચે મુજબ છે તે જાણીએ……….
જામનગરની ધર્મપ્રેમી સાધ સંગતને મારા કોટી કોટી વંદન.
આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી. ડિસેમ્બર મહિનો આવે એટલે આપણને ઠંડીનો અહેસાસ થાય છે, પણ શીખ ઈતિહાસ માટે આ મહિનો ‘શહીદી સપ્તાહ’ છે. આ દિવસો એવા છે જેને યાદ કરીને આજે પણ પંજાબની દીવાલો રડી પડે છે.
તમે કલ્પના તો કરો… કડકડતી ઠંડી, સરહિંદની એ ખુલ્લી અને ઠંડી જેલ, જ્યાં ૮૦ વર્ષના દાદી માતા ગુજર કૌર અને ફૂલ જેવા કોમળ બે બાળકો – બાબા જોરાવર સિંઘજી (૯ વર્ષ) અને બાબા ફતેહ સિંઘજી (૭ વર્ષ) કેદ હતા. મુગલ શાસકોએ તેમને ડરાવ્યા, ધમકાવ્યા, લાલચો આપી કે “તમે તમારો ધર્મ છોડી દો, તો તમને નવાબ બનાવી દઈશું.”
પણ આ એ વંશના સિંઘ હતા જેમના દાદા શ્રી ગુરુ તેગ બહાદુર સાહેબજી, ‘સનાતન’ એટલે કે ‘હિન્દુત્વ’ ના રક્ષણ અને હિન્દુ પંડિતોની રક્ષા માટે દિલ્હી ગયા હતા અને બલિદાન આપ્યું હતું. સાત વર્ષના બાબા ફતેહ સિંઘે ગર્જના કરીને કહ્યું હતું, “અમે માથું કપાવી શકીએ છીએ, પણ ધર્મ માટે માથું ઝુકાવી નથી શકતા.”
જ્યારે એ માસૂમ બાળકોને જીવતા દીવાલમાં ચણવામાં આવી રહ્યા હતા, ત્યારે ઈંટો જેમ જેમ ઉપર આવતી ગઈ, તેમ તેમ તેમના ચહેરા પરનું તેજ વધતું ગયું. તેમણે પોતાના પ્રાણ આપી દીધા, પણ આ દેશ અને ધર્મની રક્ષા કાજે ઘૂંટણ ન ટેકવ્યા. આ બલિદાન સનાતન (હિન્દુત્વ) અને આપણી સંસ્કૃતિને બચાવવા માટે હતું.
આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ સાચું જ કહ્યું છે:
*“વીર બાળ દિવસ આપણને યાદ અપાવે છે કે શૌર્યની પરાકાષ્ઠા માટે ઉંમર ક્યારેય બાધક નથી હોતી.”*
સાધ સંગત જી, આ શહીદીને શ્રદ્ધાંજલિ આપવા આપણા ગુરુદ્વારા જામનગર સાહિબ દ્વારા એક વિશેષ અને પવિત્ર આયોજન થયું છે.
ખાસ ધ્યાન આપશો:
આપણે ત્યાં તારીખ ૨૨ થી ૨૭ ડિસેમ્બર સુધી, દરરોજ સાંજે ૭ થી ૧૦ વાગ્યા સુધી ‘ગરમ કેસર વાળા દૂધ’ ના લંગરનું આયોજન કરવામાં આવ્યું છે.
સૌથી અગત્યની વાત! અમે અહીં એક વિશાળ સ્ક્રીન (Screen Display) લગાવી છે. જેમાં ‘વીર બાળ દિવસ’ શું છે? અને સાહિબજાદાઓએ ધર્મ માટે કેવું બલિદાન આપ્યું? તે ચિત્રો અને વિડીયો દ્વારા બતાવવામાં આવી રહ્યું છે.
મારી તમામ માતા-પિતાને બે હાથ જોડીને વિનંતી છે, કે તમારા બાળકોને કાર્ટૂન કે મોબાઈલમાંથી થોડો સમય બહાર કાઢીને અહીં લઈ આવો. તેમને બતાવો કે અસલી ‘હીરો’ કોણ છે. જો આપણે આપણો ઈતિહાસ આપણા બાળકોને નહીં બતાવીએ, તો કાલે ઉઠીને આપણો વારસો કોણ સાચવશે?
આવો, તમારા પરિવાર અને બાળકો સાથે પધારો. એ મહાન આત્માઓને નમન કરીએ જેમણે હિન્દુત્વના (સનાતન ધર્મ) ના રક્ષણ માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું.
બોલે સો નિહાલ… સત શ્રી અકાલ!
વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ!
ગુરુદ્વારા શ્રી ગુરુ સિંઘ સભા જામનગર ટ્રસ્ટ
_________________________________
રીગાર્ડઝ
ભરત જી.ભોગાયતા
B.sc.,L.L.B.,d.n.y.(GAU)
journalism (hindi)
પર્સોનલ મેનેજમેન્ટ (ડો.રાજેન્દ્રપ્રસાદ યુનિ.)
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
જામનગર
8758659878
bhogayatabharat@gmail.com



