
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
કચ્છમાં કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો: પોલીસ વેરિફિકેશનનો કડક અમલ શા માટે થતો નથી?
કચ્છ, ગુજરાત, તા. 5 : કચ્છ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં બનેલા ચાર હત્યાના બનાવોએ લોકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ ઘટનાઓ બાદ એક સ્પષ્ટ ચિત્ર સામે આવી રહ્યું છે કે બહારથી આવેલા કામદારોનું ફરજિયાત પોલીસ વેરિફિકેશન કરાવવામાં તંત્રની બેદરકારી અને નાગરિકોની લાપરવાહી ગુનાખોરીને મોકળું મેદાન આપી રહી છે.
ગુનાખોરી અને પોલીસ વેરિફિકેશન: કાનૂની જોગવાઈઓ
ભારતીય કાયદા અનુસાર, કોઈપણ વ્યક્તિ જે બીજા રાજ્યમાંથી આવીને રહે છે અથવા કોઈ મકાન ભાડે આપે છે, તેનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૧૫૩ હેઠળ પોલીસ કમિશનર કે પોલીસ અધિક્ષક જાહેર સલામતી જાળવવા માટે આવા નિયમોનો અમલ કરાવી શકે છે. આ કલમ હેઠળ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બારાતું ભાડૂઆતની માહિતી પોલીસ સ્ટેશનમાં નોંધાવવી જરૂરી છે. આ ઉપરાંત, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ પણ આવા આદેશો જાહેર કરી શકે છે. જો આ નિયમોનું પાલન ન થાય તો ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ કાયદા મુજબ સરકારી અધિકારીના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ દંડ અને જેલની સજાની જોગવાઈ છે.
ઔદ્યોગિક નગરી મુંદરાનું ઉદાહરણ:
મુંદરા પોર્ટ અને આસપાસના વિસ્તારોમાં અંદાજે એક લાખથી વધુ પરપ્રાંતીય કામદારો રહે છે. આમાંથી મોટા ભાગનાનું કોઈ પોલીસ વેરિફિકેશન થતું નથી. કંપનીઓ, ઠેકેદારો અને મકાનમાલિકો પૈસાની લાલચમાં નિયમોની અવગણના કરે છે. આ લાપરવાહીના કારણે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં તાજેતરમાં બનેલી હત્યાઓ અને ગાંજા જેવા ગેરકાયદેસર વેપારના બનાવો પણ સામે આવ્યા છે. આવા કિસ્સાઓમાં, પોલીસ પાસે ગુનેગારોની ઓળખ માટે પૂરતી માહિતી હોતી નથી, જેના કારણે તપાસમાં વિલંબ થાય છે અને કાયદો અમલ કરનાર તંત્રની કામગીરી પર સવાલો ઉભા થાય છે.
બહારથી આવતા ગેંગ લીડરો અને સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ :
એક ગંભીર પાસું એ પણ છે કે બહારના રાજ્યોમાંથી આવતા કેટલાક લોકો પોતાના મૂળ રાજ્યોમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોય છે અને અહીં પણ પોતાની ગેંગ બનાવીને રહે છે. આ તત્વો નજીવી રકમ માટે પણ હત્યા જેવો ગંભીર ગુનો આચરતા ખચકાતા નથી. આવા બનાવોએ ગુજરાતના શાંતિપ્રિય લોકોમાં ગભરાટ અને ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. લોકો હવે ગુજરાતની સંવેદનશીલ સરકાર પાસેથી સુરક્ષા અને સલામતીની અપેક્ષા રાખી રહ્યા છે.
સરકારની જવાબદારી અને લોકોની અપેક્ષા :
ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાંથી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવે છે અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પણ ગુજરાતના જ છે. ત્યારે ગુજરાતમાં આવી ગુંડાગીરીનો અંત આવે તેવી લોકો આશા રાખી રહ્યા છે. હવે લોકોની નજર સરકાર પર છે કે તેઓ આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે કેવા કડક પગલાં ભરે છે. લોકો માને છે કે જો આ નિયમોનો કડકપણે અમલ થાય તો ગુનાખોરી પર અંકુશ મેળવી શકાય છે અને કચ્છની શાંતિ અને સલામતી જળવાઈ રહેશે. સત્તાધીશો દ્વારા માત્ર ઘટના બન્યા બાદ કાર્યવાહી કરવાને બદલે, ગુનાખોરીને મૂળમાંથી ડામવા માટે પૂર્વ-આયોજિત પગલાં લેવા સમયની માંગ છે.
(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)


