વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામા વન વિભાગ દ્વારા તારીખ ૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર, વન્ય પ્રાણી સપ્તાહ -૨૦૨૫ ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તારીખ ૮ ઓક્ટોબરના રોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને વઘઇ બોટાનિકલ ગાર્ડન ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી અંતર્ગત પુસ્તક પ્રદર્શન, ચિત્રકામ પોસ્ટર સ્પર્ધા, શાળામાં ક્વિઝ કોમ્પિટિશન જેવા વિવિધ જાગૃતિના કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં વિદ્યાર્થીઓ વન્ય પ્રાણી સંરક્ષણ અંગે રસ દાખવ્યો હતો.
વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં વન્ય જીવન પ્રત્યે પ્રેમ અને સંરક્ષણની ભાવના વિકસાવવાનો છે. પ્રકૃતિ ની સુંદરતા અને સંતુલન જાળવવા દરેક નાગરિક ની ભૂમિકા અગત્યની છે. તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું.
ડાંગ જિલ્લા દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વન્ય જીવનનું સંવર્ધન તેમજ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઇ ગાવિત, ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવીત, દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક નીરજ કુમાર, મદદનીશ વન સંરક્ષક શ્રીમતી આરતી ભાભોર, આર.એફ.ઓશ્રીઓ તેમજ વન વિભાગના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.