GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

ઉનાઈ માતાજીના આશીર્વાદ સાથે બે દિવસ સુધી રંગત, રાસ અને લોકસંસ્કૃતિની રમઝટે ભક્તજનોને ભાવવિભોર કર્યા

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના પવિત્ર યાત્રાધામ ઉનાઈ માતાજી મંદિર ખાતે તા.૨૨/૦૨/૨૦૨૬થી તા.૨૩/૦૨/૨૦૨૬ દરમ્યાન “ઉનાઈ ઉત્સવ  ૨૦૨૫-૨૬”નો ભવ્ય બે-દિવસીય સાંસ્કૃતિક મહોત્સવ ભક્તિભાવ અને લોકસંસ્કૃતિના અનોખા સમન્વય સાથે ઉજવાયો. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર નવસારીના સંયુક્ત આયોજનથી સમગ્ર પરિસર ભક્તિમય અને ઉત્સવમય બની ગયું હતું.

પ્રથમ દિવસે સવારે માતાજીના પાટોત્સવ નિમિત્તે યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં નાસિક ઢોલના ગર્જતા નાદ સાથે મણિયારો રાસ, ડાંગી નૃત્ય, ઘેરીયા , કાહળી, તારપા, માદળ ઢોડીયા સહિત વિવિધ લોકનૃત્યોની ઝળહળતી ઝાંખીએ સૌના હૃદયને સ્પર્શ્યા. ૨૫૦થી વધુ કલાકારોએ પરંપરાગત વેશભૂષામાં રજૂ કરેલી કલાપ્રસ્તુતિઓએ ઉનાઈની ધરતીને જીવંત સાંસ્કૃતિક રંગોથી રંગી દીધી.

સાંજે યોજાયેલા કાર્યક્રમનો શુભારંભ રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના  કેબિનેટ મંત્રી  નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો . મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં ઉનાઈ માતાજીના મંદિરની ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્તા ઉજાગર કરતાં જણાવ્યું કે, આવા ઉત્સવો માત્ર ઉજવણી નહીં પરંતુ સ્થાનિક સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રબળ પ્રયાસ છે. રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામોના વિકાસ અને સંસ્કૃતિના સંવર્ધન માટે કરવામાં આવેલી બજેટ જોગવાઈઓનો ઉલ્લેખ કરતાં તેમણે જનતાને ખ્યાતનામ કલાકારોની કળાનો હૃદયપૂર્વક આનંદ માણવા અનુરોધ કર્યો હતો.

પ્રથમ દિવસે ગુજરાત ગૌરવ પુરસ્કૃત કલાકાર ભરત બારીયા અને અક્ષય બારીયાએ આરતી, ડાકલા અને રામાયણ નૃત્ય દ્વારા ભક્તિરસ વહાવ્યો હતો, જ્યારે સુપ્રસિદ્ધ ગાયક ઓસમાણ મીર અને આમીર મીરના લોકડાયરા સ્વરોએ રાત્રિને સંગીતમય બનાવી દીધી.

બીજા દિવસે રાસ-ગરબાની રમઝટે સમગ્ર પરિસરને ધબકતું બનાવી દીધું. લોકપ્રિય કલાકાર રાજ ગઢવી (નડીયાદ રાજ) અને અલ્પા પટેલના સ્વર અને તાલે યુવાઓથી લઈ વડીલો સુધી સૌને ઝૂમી ઉઠવા હતા . દુર્ગા સ્તુતિ, તલવાર રાસ, ફ્યુઝન ડાન્સ અને ડાક-ડમરૂની અનોખી પ્રસ્તુતિઓએ ઉત્સવને આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચાડ્યા હતા .

ઉનાઈ અને નવસારી જિલ્લાની ઉત્સવપ્રિય જનતાએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિ, પરંપરા અને આધુનિક કલાના સંગમરૂપ આ મહોત્સવને મનભરીને માણ્યો હતો.ઉનાઈ ઉત્સવ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ સંસ્કૃતિની સુગંધ અને શ્રદ્ધાની શક્તિનો જીવંત ઉત્સવ બની સૌના હૃદયમાં અવિસ્મરણીય યાદો સાથે સમાપન થયો હતો.

Back to top button
error: Content is protected !!