Jasdan: જસદણ ખાતે “નારી સંમેલન” યોજાયું – લાભાર્થીઓને ટી.એચ.આર. કીટ, વ્હાલી દીકરી યોજનાના હુકમ પત્ર અને વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ મહિલાઓને પ્રમાણપત્ર એનાયત કરાયા
તા.૩/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
“નારીને સક્ષમ બનાવવા રાજયસરકારે આરોગ્ય, શિક્ષણ સહિતની અનેકવિધ સરકારી યોજનાઓ અમલીકૃત કરી છે.” – મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા
૩૦૦થી વધુ મહિલાઓને વિવિધ મહિલાલક્ષી યોજનાકીય માહિતી અપાઈ
Rajkot, Jasdan: જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીની ઉપસ્થિતિમાં જસદણના કમળાપુર રોડ સ્થિત સ્પોર્ટસ સંકુલ ખાતે “નારી સંમેલન” યોજાયું હતું.
ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ નારી સંમેલનમાં આશરે ૩૦૦ મહિલાઓને નારી અદાલત અંગેની સમજ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫, કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી નિવારણ અધિનિયમ અને મહિલા સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, ૧૮૧ મહિલા અભયમ સ્ટાફ દ્વારા ૧૮૧ અભયમ ડેમો, મહિલા આઈ.ટી.આઈ. પ્રિન્સિપાલશ્રી દ્વારા મહિલા આઈ. ટી.આઈ. અંતર્ગત ચાલતા વિવિધ કોર્સ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ તકે મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, નારી સક્ષમ, સબળ અને સશક્ત બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આજના નારી સંમેલનનું આયોજન જસદણ અને વીંછિયાનીની બહેનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી અને લાભ આપવા માટે કરવામાં આવ્યું છે. તંદુરસ્ત પરિવાર અને તંદુરસ્ત સમાજ માટે જસદણ અને વિંછીયાની મહિલાઓને આરોગ્યને લગતી તમામ સુવિધાઓ મળી તે માટે અદ્યતન મકાનયુક્ત આરોગ્ય કેન્દ્રમાં દવાઓ અને જરૂરી સાધનોની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કન્યા કેળવણીને પ્રાધાન્ય આપવા રાજ્યના છેવાડાના વિસ્તારોમાં રહેતી દીકરીઓનું શિક્ષણ ન છૂટે તે માટે સીમ શાળા શરૂ કરવામાં આવી છે, જેમાં રાજ્યની સૌથી વધુ સીમ શાળા જસદણ અને વિંછીયા તાલુકામાં છે. તેમજ દીકરીઓના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી હાઇસ્કૂલમાં વધુને વધુ સારી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છીએ કે, ઉચ્ચ અભ્યાસ માટે સરકારી કોલેજની પણ શરૂઆત કરાઈ છે. મહિલાઓને આત્મનિર્ભર બનવા અને પોતાના કૌશલ્યને ખીલવવા જસદણ અને વિંછીયા આઈ.ટી.આઈ. માં વિવિધ કોર્સ ચલાવવામાં આવે છે. અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે છ કરોડથી વધુના ખર્ચે વિંછીયા ખાતે લાઇબ્રેરીની સુવિધા ઉભી કરવામાં આવી છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ બહેનોને જસદણ વિંછીયા તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય યોજના અન્વયે સમયાંતરે વિવિધ લાભો આપવામાં આવે છે. મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે આર્થિક વિકાસ નિગમ દ્વારા સબસિડાઈઝડ લોન આપવામાં આવે છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે, સ્ત્રી જગદંબા સ્વરૂપા છે, સ્ત્રીઓ પોતાની અંદર રહેલી અનેરી શક્તિઓને ખીલવીને આત્મનિર્ભર બનવા તરફનો અભિગમ અપનાવી સમાજમાં અનન્ય યોગદાન આપી રહી છે. સમાજમાં એક મહિલાની પ્રગતિ અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બને છે. દીકરીઓની ઉન્નતિ માટે દીકરીના જન્મથી પરણવા સુધીની સફરમાં સરકારની અનેક યોજનાઓ અમલી કરાઇ છે.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કરી હતી. તાલુકાની બાળાઓએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલે શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ, નીતાબેન ગઢાદરા અને શ્રી સોનલબેન વસાણીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી દ્વારા ૨૫ જેટલા લાભાર્થીઓને ટી. એચ.આર. કીટ, વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ પત્ર અને વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ મહિલાઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી હિતેશભાઈ વોરા, શ્રી હંસાબેન રાદડિયા, શ્રી ગીતાબેન ચૌહાણ, શ્રી મનીષાબેન રાવલ, શ્રી કાજલબેન ધોળકિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઈલાબેન ગોહિલ, સમાજ સુરક્ષા અધિકારી શ્રી પ્રાર્થનાબેન શેરસીયા, વિંછીયા મામલતદાર આઈ.જી.ઝાલા સહિત બહોળી સંખ્યામાં મહિલાઓ અને કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.
બોક્સ
“પૂર્ણા શક્તિના પેકેટથી હું વિવિધ વાનગીઓ બનાવું છું, મારી જેમ અન્ય કિશોરીઓએ પણ પૂર્ણા શક્તિના પેકેટનો લાભ લેવો જોઈએ”- શ્રી માનસી મંડીર
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની રહેવાસી ૧૫ વર્ષીય કિશોરી શ્રી માનસી અનિલભાઈ મંડીરે જણાવ્યું હતું કે, કિશોરીઓના શારીરિક વિકાસ માટે યોગ્ય પોષણ મળી રહે તે માટે આંગણવાડીમાંથી પૂર્ણા શક્તિના પેકેટ આપવામાં આવે છે. જે નવ વિવિધ સુક્ષ્મ પોષક ત્તત્વોથી ભરપૂર હોય છે. તેણીને પૂર્ણા શક્તિના ચાર પેકેટ મહિનાના છેલ્લા મંગળવારે આપવામાં આવે છે. વધુમાં કિશોરીએ જણાવ્યું હતું કે, પૂર્ણા શક્તિના પેકેટમાંથી તેણી વિવિધ વાનગીઓ બનાવે છે અને ચોકલેટ પણ ખુબ જ સરળતાથી બનાવી શકાય છે. તેણીએ અન્ય કિશોરીઓને પણ પૂર્ણા શક્તિના પેકેટનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.