ગોધરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: મહિલા સશક્તિકરણ સંમેલન યોજાયું

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 
પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા તથા બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ગોધરાના રામનગર સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે એક વિશાળ ‘મહિલા સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
નારી સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં પ્રવર્તતા સ્ત્રી-પુરુષ ભેદભાવને દૂર કરી મહિલાઓને સમાન તકો પૂરી પાડવાનો તેમજ તેમનામાં આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણો વિકસાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના વિશેષ આકર્ષણ તરીકે વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થી મહિલાઓ શિક્ષણ, આરોગ્ય, સમાજસેવા અને સરકારી સેવામાં પ્રશંસનીય કામગીરી કરનાર મહિલા કર્મચારીઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રમુખશ્રીએ સ્ત્રીઓને માત્ર ‘અબળા’ નહીં પણ ‘શક્તિ’નું સ્વરૂપ ગણાવી, મહિલા અધિકારોને ભીખ નહીં પણ જન્મસિદ્ધ અધિકાર ગણાવ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સાચો ન્યાય માત્ર કોર્ટના ચુકાદા પૂરતો મર્યાદિત નથી, પરંતુ સામાજિક સમાનતા, સુરક્ષિત વાતાવરણ અને સમાન વેતનમાં રહેલો છે. દીકરીઓને શિક્ષણ અને સ્વનિર્ભરતા મળે તેમજ સમાજમાં સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતા દૂર થાય એ જ આ દિવસની સાચી ઉજવણી છે. અંતમાં, તેમણે ‘નારી તું નારાયણી’ના સૂત્રને સાર્થક કરવા અને મહિલાઓના સશક્તિકરણ માટે દરેક નાગરિકને સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું છે.
ગોધરાના પ્રાંત અધિકારી એન.બી. મોદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી મહિલાઓને તેમના હક્કો અને અધિકારો પ્રત્યે જાગૃત કર્યા હતા.
આ સંમેલન દ્વારા પંચમહાલ જિલ્લાની મહિલાઓને એક સશક્ત મંચ પૂરું પાડવામાં આવ્યું હતું, જે આવનારા સમયમાં મહિલાઓના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે મહત્વનું પગલું સાબિત થશે







