
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરામાં વાસ્મો અને આરોગ્ય વિભાગ દ્વારા ‘નારી શક્તિથી જળ શક્તિ’ કાર્યશાળા યોજાઈ: ૫૦થી વધુ આશા બહેનોને અપાઈ વિશેષ તાલીમ
મુંદરા, તા. 19:
જળ સંરક્ષણ અને દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે, વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્મો)ની માંડવી-કચ્છ શાખા અને તાલુકા હેલ્થ ઓફિસ-મુંદરાના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ‘મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યશાળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુંદરા તાલુકાના ૧૮ ગામોની ૫૦થી વધુ આશા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા તાલુકા હેલ્થ ઓફિસર ડો. મેહુલ બલદાણીયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય સ્તરે મહિલાઓને પાણી અને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આશા બહેનોની ભૂમિકા અત્યંત મહત્વની છે.
વાસ્મો કચ્છના જિલ્લા કો-ઓર્ડિનેટર ડિમ્પલબેન શાહે પાણી વિતરણ વ્યવસ્થામાં પાણી સમિતિની કામગીરી અને બહેનોની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વિશેષ નોંધતા જણાવ્યું હતું કે સમગ્ર કચ્છ જિલ્લામાં તાલીમ દરમિયાન અરસ-પરસ સંપરામર્શ (ચર્ચા-વિચારણા) કરીને સક્રિય રીતે સામેલ થવાની બાબતમાં મુંદરા તાલુકાની આશા બહેનોની સહભાગીદારી સૌથી નોંધપાત્ર અને પ્રશંસનીય રહી છે. તાલુકા કો-ઓર્ડિનેટર કનૈયાલાલ ગોરે પાણી સમિતિમાં સહયોગ આપી અ બાબતે કોઈ પણ સમસ્યા હોય તો તેમનો સંપર્ક કરવા જણાવ્યું હતું. તાલીમ દરમિયાન નિષ્ણાતો દ્વારા પીવાના પાણીની ગુણવત્તા ચકાસણી, સ્રોત સંરક્ષણ, ઘરગથ્થુ ટાંકી-પાઈપલાઈનની સફાઈ અને પાણીજન્ય રોગોથી બચવા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત આશા બહેનોને ફિલ્ડમાં ઉપયોગી એવી વોટર ટેસ્ટિંગ કિટ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘નારી અને પાણી’ વિષયક શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા રહી હતી. જેમાં આશા બહેનોએ સ્ટેજ પર આવી ચિઠ્ઠી ઉપાડીને તેમાં લખેલ વિષય પર ત્વરિત વિચારો રજૂ કરવાના હતા. આ સ્પર્ધામાં ‘જળ છે તો જીવન છે’, ‘આત્મનિર્ભર નારી’, ‘પાણી સમિતિમાં આશાની ભૂમિકા’, ‘વર્તમાન સમયમાં નારી ખરેખર આઝાદ છે?’ અને ‘પુરુષ સમોવડી નારી’ જેવા ગંભીર અને પ્રાસંગિક વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં વિજેતા બહેનોમાં પ્રથમ ક્રમ નંદબા દીપસંગજી પિંગોલ (મોટા કપાયા), દ્રિતીય ક્રમે ભાવનાબેન મહેશ્વરી (લુણી) અને તૃતીય ક્રમ જયાબેન જોશી (નાના કપાયા)ને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.
આ ઉપરાંત બાયો એન્ઝાઇમ એકેડેમી (બેંગ્લોર)ના સભ્ય અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર જયશ્રીબા રાઠોડ વિશેષ ઉપસ્થિત રહીને આશા બહેનોને યોગ દ્વારા તંદુરસ્તીની સમજ આપી હતી. ઉપરાંત કેમિકલ મુક્ત સ્વદેશી બનાવટો થકી આત્મનિર્ભર બનવા માટે શિવ ટાઉનશીપ મુંદરામાં દિવ્યમ ક્લાસીસ દ્વારા વિનામૂલ્ય ચાલતી તાલીમનો લાભ લેવા અપીલ કરી હતી.
આ સફળ આયોજનમાં તાલુકા સુપરવાઈઝર જવાહરભાઈ નાથાણી, કમળાબેન ફફલ અને પ્રકાશભાઈ ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હાર્દિક ટી. ધોળકિયાએ કર્યું હતું. તમામ સહભાગી બહેનોને વાસ્મો તરફથી બેગ, ભોજન અને મુસાફરી ભથ્થું આપવામાં આવ્યું હતું.










વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




