Rajkot: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડિયા અને આગાખાન રૂરલ સંસ્થા દ્વારા “વિશ્વ કપાસ દિવસ”ની ઉજવણી કરાઈ
તા. 6/10/2025
વાત્સલયમ્ સમાચાર
ખેડૂતોને કપાસની આધુનિક ખેતી પદ્ધતિ અને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન અપાયુ
Rajkot: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડિયા (રાજકોટ) અને આગાખાન રૂરલ સંસ્થા પ્રોગ્રામના સંયુક્ત ઉપક્રમે રાજકોટના સુર્યા રામપર ગામે પ્રભુ કૃપા જીન મિલના પટાંગણમાં “વિશ્વ કપાસ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડિયાના કૃષિ વૈજ્ઞાનિક ડો.જે.એચ.ચૌધરી, આગાખાન રૂરલ સંસ્થાના શ્રી રમેશભાઈ મકવાણા-ટીમ લીડર, શ્રી સાદિકભાઈ પરાસરા-ડી.ઓ.(એગ્રી) અને તમામ ફિલ્ડ સ્ટાફ મિત્રો, પ્રભુ કૃપા જીન મિલના ઓનર શ્રી નિલેશભાઈ અને ભરતભાઈ તેમજ ૨૩૦ જેટલા ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.
કાર્યક્રમમાં ડો.જે.એચ.ચૌધરીએ કપાસના પાકની આધુનિક ખેતી પદ્ધતિ વિશે માર્ગદર્શન આપ્યું હતુ. જેમાં જમીનની તૈયારી, બીજ પસંદગી, બીજ માવજત, પોષણ વ્યવસ્થાપન, પિયત વ્યવસ્થાપન, નિંદામણ નિયંત્રણ, રોગ-જીવાત નિયંત્રણ વગેરે વિશે ચર્ચા કરી પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમજ કપાસના પાકની પહોળા પાટલે ખેતી કરવાને બદલે સાંકડા ગાળે ખેતી કરીને દોઢાથી બમણું ઉત્પાદન મેળવી વધુ આર્થિક સધ્ધર કેમ થવું તે અંગે પણ માર્ગદર્શન આપ્યુ હતુ. શ્રી રમેશભાઈ મકવાણાએ કપાસની ખેતીની શરૂઆત થઇ ત્યારથી લઇને આજ સુધી આવેલા બદલાવ અને કૃષિના અર્થતંત્રમાં કપાસના પાકની અગત્યતા વિષે ચર્ચા કરી હતી. શ્રી નિલેશભાઇએ ખેડૂતોને ઉત્તમ કક્ષાની ક્વોલિટીવાળો કપાસ કેમ પેદા કરવો અને વધુ ભાવ કેમ મેળવવા તેના વિષે માર્ગદર્શન આપ્યુ હતુ.
કાર્યક્રમમાં શ્રી રમેશભાઈ મકવાણાએ શાબ્દિક સ્વાગત કર્યું હતુ.અંતમાં સૌએ જીનની વિઝીટ કરી કપાસના આંતરરાષ્ટ્રીય માર્કેટ માટે ઉત્તમ કક્ષાની ક્વોલિટી કેમ જાળવવી તેની સમજ મેળવી હતી.