Rajkot: મતદારો ચૂંટણી કાર્ડ ઉપરાંત અન્ય વૈકલ્પિક દસ્તાવેજોથી પણ મતદાન કરી શકશે
તા.૧૩/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાની ભાયાવદર નગરપાલિકાની સામન્ય ચૂંટણીનું તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ મતદાન થશે. રાજ્ય ચૂંટણી આયોગની સુચના મુજબ નગરપાલિકા સામાન્ય ચૂંટણીઓ માટે મતદાનનો સમય સવારે ૦૭ કલાકથી સાંજે ૦૬ કલાકનો રહેશે. તેમજ મતદાન મથક અને મતગણતરી કેન્દ્ર ખાતે સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ, મોબાઈલ ફોન સાથે પ્રવેશવા તથા તેના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે, કોઈ પણ વ્યક્તિ મતદાન મથકોએ ફોન સાથે પ્રવેશ કરી શકશે નહીં.
આ ઉપરાંત, મતદારોની ઓળખ માટે ચૂંટણી કાર્ડ ઉપરાંત ફોટા સાથેનો પાસપોર્ટ, ફોટા સાથેનું ડ્રાઈવીંગ લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ), ફોટા સાથેનું ઈન્કમટેક્ષ (PAN) ઓળખકાર્ડ તથા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલા ફોટા સાથેના ઓળખકાર્ડ, પબ્લીક સેક્ટર બેન્કો અને પોસ્ટ ઓફિસો તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલા), અનુસૂચિત જાતિ / અનુસૂચિત આદિજાતિ / અન્ય પછાતવર્ગ (OBC)નું સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલા), ફોટા સાથેના પેન્શન પ્રમાણપત્રો જેવા કે માજી સૈનિકોની પેન્શન બુક / પેન્શન પેમેન્ટ ઓર્ડર / માજી સૈનિકની વિધવા / આશ્રિતોના પ્રમાણપત્રો / મોટી ઉંમરની વ્યક્તિના પેન્શન ઓર્ડર, વિધવા પેન્શન ઓર્ડર (ચૂંટણી તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલા), કેન્દ્ર સરકાર / ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા સ્વતંત્રતા સૈનિકનાં ફોટા સાથેના ઓળખ કાર્ડ, ફોટો સાથેના હથિયારોના લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલા), સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલા દિવ્યાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલા), રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેંધરી યોજના (MNREGS) હેઠળ આપવામાં આવેલા ફોટા સાથેના જોબ કાર્ડ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલા), કર્મચારી રાજય વીમા યોજના (ESI) હેઠળ આપવામાં આવેલા ફોટા સાથેનું ઓળખકાર્ડ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલા), નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) સ્કીમ હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, UIDAI દ્વારા આપવામાં આવેલા “આધાર” કાર્ડ જેવા વૈકલ્પિક પુરાવાઓ જાહેર કરવામાં આવ્યા છે, તેમ ભાયાવદર નગરપાલિકાના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.