Upleta: ઉપલેટાની શ્રી શેઠ ટી.જે. કન્યા વિદ્યાલય ખાતે યોજાયો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર
તા.૧૯/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
૨૮૦થી વધુ વિદ્યાર્થિનીઓને આત્મનિર્ભર બનવા દિશા નિર્દેશન અપાયું
Rajkot, Upleta: રાજ્યની સરકારે ગુજરાતના બાળકો દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે તે માટે પ્રગતિલક્ષી યોજનાઓનું અમલીકરણ કર્યું છે. જે સંદર્ભે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની શ્રી શેઠ ટી.જે. કન્યા મ્યુનિસિપલ વિદ્યાલય ખાતે પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ, રોજગાર કચેરી રાજકોટ અને વ્યવસાયિક સંસ્થા અમદાવાદ(રાયખડ)ના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં શ્રી શેઠ ટી.જે. કન્યા મ્યુનિસિપલ વિદ્યાલય ધોરણ ૯ થી ૧૨ના એમ કુલ મળીને આશરે ૨૮૦થી વધુ વિદ્યાર્થિનીઓને આત્મનિર્ભર બનવા દિશા નિર્દેશન કરવામાં આવ્યું હતું.
પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના માહિતી મદદનીશશ્રી રિધ્ધિબેન ત્રિવેદીએ વિદ્યાર્થિનીઓને માહિતી ખાતાની કામગીરી તેમજ માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતા ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર અને દિપોત્સવી, કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક, આદિવાસીની ઓળખ, લોક ઉત્સવો અને લોકમેળાઓ, ગ્રંથોત્સવ સહીત પ્રકીર્ણ સાહિત્ય અંગેની માહિતી આપી હતી. અને બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાહિત્ય અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. અને સ્કૂલની લાઇબ્રેરીને સમૃદ્ધ બનાવવા પ્રકીર્ણ સાહિત્યની ભેટ આપી હતી.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શાળા સલાહકારશ્રી ભાવનાબેન ભોજાણીએ વિદ્યાર્થિનીઓને આત્મનિર્ભર બનવા માટે પોતાના રસના વિષયો પર વધુ કામ કરવા તેમજ જીવનમાં દરેક પરિસ્થિતિ સામે લડવા મજબુત મનોબળ રાખવા અનેક કિસ્સાઓના માધ્યમથી સમજાવ્યું હતું. વધુમાં તેઓએ સફળ વ્યક્તિઓના ઉદાહરણના માધ્યમથી શિક્ષણ, આત્મનિર્ભરતા અને કારકીર્દિના મહત્વ અંગે ખુબ જ ઊંડાણપૂર્વક વિદ્યાથીઓને સમજાવ્યું હતું.
આ તકે રોજગાર કચેરીના કરિયર કાઉન્સિલરશ્રી રાજેશભાઈ ચૌહાણે રોજગાર કચેરી વિદ્યાર્થિનીઓની ભાવિ કારકીર્દિને ઉજળી બનાવવા મદદરૂપ થાય તે તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. ઉપરાંત, આઈ.ટી.આઈ. લક્ષી તમામ કોર્ષ અને એમ્લોયમેન્ટ કાર્ડ કઢાવવાની પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી.
રોજગાર કચેરીના વિદેશી રોજગાર કાઉન્સિલરશ્રી હમીરભાઈ ચૌહાણે વિદ્યાર્થિનીઓને વિદેશ અભ્યાસ માટે જરૂરી તમામ પ્રોસિજર વિશે વિગતે જાણકારી આપી હતી. ઉપરાંત, વિદેશ અભ્યાસ માટે લોન મેળવવા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
આ અવસરે શ્રી શેઠ ટી.જે. કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી વિરલબેન ડાંગર, બી.આર.સી. શ્રી વિજયભાઈ ગજેરા, બી.આર.પી. શ્રી આરતીબેન માલવીયા, શિક્ષકશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.