Rajkot: રાજકોટ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ‘વિશ્વ આરોગ્ય દિવસ’ની ઉજવણી કરાશે

તા.૫/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: તા. ૦૭ એપ્રિલને ‘વિશ્વ આરોગ્ય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી દર વર્ષે આરોગ્યના વિષયને સાંકળીને થીમ આપવામાં આવે છે. થીમના વિષયવસ્તુ પ્રત્યે ધ્યાન દોરવા જનજાગૃતિના કાર્યક્રમો યોજી વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ર૦રપના ‘વિશ્વ આરોગ્ય દિવસ’નું સુત્ર છે “Healthy Beginnings, Hopeful Futures” એટલે કે “સ્વસ્થ શરૂઆત, આશાસ્પદ ભવિષ્ય”.
વર્તમાનમાં પર્યાવરણીય પ્રદૂષણમાં વધારો થયો છે. માનવજીવનની ગુણવત્તા પર અસર કરતા આબોહવા પરિવર્તનને ગંભીર ગણવામાં આવે છે. હીટવેવ, પાણીની અછત, અત્યંત ભારે વરસાદ, ચક્રવાત, પૂર અને આપત્તિઓ, વેક્ટર-બોન રોગો, પાણીજન્ય રોગો, એરબોરીનું વધતુ જોખમ, ઝૂનોટિક રોગ ફાટી નીકળવો, પોષણની અછત, બિનચેપી અને ચેપી રોગો સ્વાસ્થ્યને અસર કરે છે. આથી, ‘વિશ્વ આરોગ્ય દિવસ’ એ, લોકોને સ્વાસ્થ્ય સમસ્યા વિશે જાગૃત કરવા અને આરોગ્યના મહત્વને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો દિવસ છે.
વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે વિશેષ કામગીરી
ચેપી રોગો : HIV/AIDS, મેલેરિયા, ટ્યુબરક્યુલોસિસ અને હેપેટાઇટિસ જેવા ચેપી રોગોના નિવારણ, સારવાર અને વ્યવસ્થાપન પર પ્રકાશ પાડવો જોઈએ.
બિનસંચારી રોગો (NCDs) : કાર્ડિયોવેસ્ક્યુલર રોગો, કેન્સર, ડાયાબિટીસ અને શ્વસન સંબંધી બિમારીઓ જેવા ક્રોનિક રોગો વિશે જાગૃતિ કેળવવી અને તેમની ઘટનાને રોકવા માટે સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવું જોઈએ.
માનસિક સ્વાસ્થ્ય : માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ વધારવી અને માનસિક સ્વાસ્થ્ય સેવાઓ અને સમર્થનને પ્રોત્સાહન આપવું જોઈએ.
માતૃત્વ અને બાળ આરોગ્ય : માતૃત્વ અને બાળ સ્વાસ્થ્યના સુધારેલા પરિણામોની હિમાયત કરવી, જેમાં પ્રિનેટલ કેર, સુરક્ષિત બાળજન્મ, રસીકરણ અને પોષણનો સમાવેશ થાય છે.
રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ‘વિશ્વ આરોગ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. તાલુકાકક્ષાએ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર, આયુષ્યમાન આરોગ્ય મંદીર ખાતે આરોગ્ય વિષયને અનુરૂપ લોકજાગૃતિ માટે ખાસ આયોજન કરાયું છે. જેમાં વિવિધ સામાજીક, શૈક્ષણિક તથા સ્વૈછિક સંસ્થાઓ અને સંબંધિત સરકારી વિભાગો જોડાશે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટરો અને આયુષ્યમાન આરોગ્ય મંદીરો અને તેમના સેજાના ગામોમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે. જેમાં ઝીરીયાસ્ટ્રીક પેશન્ટ અને હાઇરીસ્ક સગર્ભાની ખાસ તપાસ કરવામાં આવશે. માતા અને નવજાત મૃત્યુને અટકાવવા અને મહિલાઓની લાંબાગાળાની સ્વાસ્થ્ય સુખાકારીને પ્રાથમિકતા આપવાના પ્રયત્નો કરવામાં આવશે. જુથ ચર્ચા, લઘુશિબિર, ગુરૂશિબિર, સેમિનાર, પ્રદર્શન, રેલી, ભીંતસુત્રો, વોલ પેઇંટીંગ જેવી વિવિધ પ્રવૃતિઓ કરાશે. સાંસ્કૃતિક કાર્યક્રમો, રોલ પ્લેના માધ્યમથી લોકો સુધી આરોગ્ય સંદેશ પહોંચાડવામાં આવશે. શાળા અને કોલેજોમાં આહાર સુરક્ષા સંબંધિત શૈક્ષણિક કાર્યક્રમ અને વાર્તાલાપ, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા યોજાશે. સારવાર મેળવેલી વ્યક્તિઓની ટેસ્ટીમોનિયલ, સ્થાનિક કલાકાર દ્વારા પ્રદર્શન, ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ અને તેના માટે લેવાયેલા પગલાઓ વિશે જાણકારી આપવામાં આવશે, તેમ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે.



