Rajkot: ત્રંબા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર કસ્તુરબાધામ દ્વારા ‘વિશ્વ વસ્તી દિવસ’ પખવાડિયાની ઉજવણી કરાઈ
તા.૨૮/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
વસ્તી નિયંત્રણ વિષે સમજૂત કરવા ગુરુ શિબિર, લઘુ શિબિર, રેલી, વર્કશોપ યોજાયા
Rajkot: રાજકોટ તાલુકા આરોગ્ય કચેરી અને આયુષ્માન આરોગ્ય મંદિર કસ્તુરબાધામના સંયુક્ત ઉપક્રમે ૧૧ જુલાઈ, ‘વિશ્વ વસ્તી દિવસ’ પખવાડિયા ઉજવણી નિમિત્તે ત્રંબા ખાતે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં આયુષ મેડિકલ ઓફિસર ડો. સરોજબેન જેતપરિયાના માર્ગદર્શન તળે ગુરુ શિબિર, લઘુ શિબિર, રેલી, વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડો. સરોજબેન જેતપરિયા દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે યોજાયેલી શિબિરમાં વધતી જતી વસ્તી અંગે ચર્ચા કરી કુટુંબ નિયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શ્રી વિનય મંદિર યુ.બી.શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને ડો.સરોજબેન જેતપરીયાએ પ્રસ્થાન કરાવી, બાળકોને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. “નાનુ કુટુંબ સુખી કુટુંબ “જેવા નારાઓ બોલી શાળાના શિક્ષક શ્રી હિંમતભાઈ સોલંકી અને શાળાના બાળકોએ વાતાવરણને ગુંજવી દીધું હતું.
આ પખવાડિયાની ઉજવણી દરમિયાન આયુષ્માન આરોગ્ય મંદિર કસ્તુરબા ધામના સુપરવાઇઝર શ્રી ધીરેનભાઈ રાઠોડ, શ્રીમતી જશુબેન ગઢીયા, તમામ સી.એચ.ઓ., એમ. પી.એચ.ડબલ્યુ., એફ.એચ.ડબલ્યુ દ્વારા બેનર, પત્રિકા વિતરણ દ્વારા કુટુંબ નિયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ રેલીમાં શ્રી અલ્પેશભાઈ ગાબુ એમ.પી.એચ.ડબલ્યુ કસ્તુરબા ધામ, શાળાના આચાર્ય શ્રી પ્રફુલભાઈ મારવાણીયા શિક્ષક ગણ અને આરોગ્યનો સ્ટાફ જોડાયો હતો. આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે આયુષ્માન આરોગ્ય મંદિર કસ્તુરબા ધામના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.