મહાત્મા મંદિર ખાતે ક્રેડાઈની ‘ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની 2025’ યોજાઈ : રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસ માટે નવી ટીમ પ્રતિબદ્ધ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની અગ્રગણ્ય સંસ્થા ક્રેડાઈની ‘ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની-2025’ યોજાઈ હતી. નવો પ્રમુખ તરીકે શેખર પટેલની નિયુક્તિ અને નવી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની જાહેરાત સાથે આ પ્રસંગે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નવી દિશા અને ગતિ માટે મહત્વના સંકલ્પો લેવામાં આવ્યા.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ક્રેડાઈના ‘ધ બિગ શિફ્ટ – ફોર ધ લીડર્સ, બાય ધ લીડર્સ’ના કાર્યમંત્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના દિશાદર્શનમાં સાકાર કરવામાં આવશે. રાજ્ય સરકાર પણ ક્રેડાઈના થકી હાથ ધરાતા દરેક પ્રોજેક્ટને આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ થાય તે માટે સંપૂર્ણ સહયોગ આપશે.
તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝન સાથે ‘દરેકને ઘર’ના લક્ષ્યને પુરો કરવા રિયલ એસ્ટેટ ક્ષેત્રે ક્રેડાઈ સાથે જોડાયેલા ડેવલપર્સે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
પ્રમુખ તરીકે નવા હવાલા સંભાળતા શેખર પટેલે જણાવ્યું કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સાદગીથી કામ કરવામાં નવી ટીમ પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે આગામી પાંચ વર્ષમાં 10 લાખ બાંધકામ મજૂરો માટે કૌશલ્ય વિકાસ માટે તાલીમ આપવાની યોજના છે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોઇસ મેસેજ મારફતે નવીન ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. પૂર્વ પ્રમુખ બોમન ઈરાની અને ચેરમેન મનોજ ગૌરે પણ નવી ટીમને શુભેચ્છા પાઠવી હતી અને આગામી કારકિર્દી માટે માર્ગદર્શન આપ્યું હતું.
સેરેમનીમાં નિવૃત્ત પ્રમુખ બોમન ઈરાની દ્વારા શેખર પટેલને બેટન સોંપવામાં આવ્યું હતું. સાથે જ ‘મારું અમદાવાદ’ પુસ્તક અને ‘ગ્રીન બિલ્ડિંગ’ અહેવાલનું વિમોચન કરવામાં આવ્યું હતું. ક્રેડાઈ, NSDC અને QCI વચ્ચે સ્કિલ ડેવલપમેન્ટ માટે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ક્રેડાઈ નેશનલની નવી ટીમમાં શેખર પટેલ (પ્રમુખ), આશિષ પટેલ (ઉપપ્રમુખ), તેમજ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ખજાનચી સહિતના હોદેદારોનો પરિચય આપવામાં આવ્યો.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પદ્મશ્રી પંકજ પટેલ, રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી, અમદાવાદ મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્યો, ક્રેડાઈના હોદેદારો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.