મહીસાગર જિલ્લામાં ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર નો શુભારંભ
અમીન કોઠારી :- મહીસાગર
તારીખ:-૧૪-૧૧-૨૦૨૪
મહીસાગર જિલ્લામાં ડાયાબિટીસ મુકત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબીરનો શુભારંભ
લુણાવાડા જવાહર બાગ ખાતે વિશ્વ ડાયાબિટીસ દિવસથી ૧૫ દિવસની ડાયાબિટીસ નિવારણ માટે ખાસ ડિઝાઇન કરેલ યોગ શિબિરનું આયોજન
આજના જમાનામાં ડાયાબિટીસની સમસ્યા વધતી જતી જોવા મળે છે. અનિયમિત જીવનરશૈલી, અનિયમિત ખોરાક અને માનસિક તણાવ ડાયાબિટીસ માટે મુખ્ય કારણો બની રહ્યા છે. ડાયાબિટીસ એ એક એવી બિમારી છે, જે તમારા શરીરના રક્તમાં શુગરના સ્તરને અસામાન્ય રીતે વધારી દે છે, અને જે લાંબાગાળે અનેક પ્રકારની આરોગ્ય સંબંધીત સમસ્યાઓ ઊભી કરી શકે છે. પરંતુ આ બિમારી સામે લડવા માટે અને તેને નિયંત્રણમાં રાખવા માટે યોગ ખૂબ જ અસરકારક અને પ્રાકૃતિક ઉપાય છે ત્યારે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ થકી રોગોનું નિવારણ કરવા અર્થે ” ડાયાબિટીસ મૂકત ગુજરાત અભિયાન અંતર્ગત વિશ્વ ડાયાબિટીસ દિવસ ૧૪ નવેમ્બરથી ૨૮ નવેમ્બર ૧૫ દિવસ સુધી ડાયાબિટીસ કેમ્પ અને યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં લુણાવાડા જવાહર બાગ ખાતે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ડાયાબિટીસ કેમ્પ અને યોગ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ ડાયાબિટીસ કેમ્પ અને યોગ શિબિરનો ઉદેશ્ય લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય ઉપરાંત યોગ થકી ડાયાબિટીસ જેવા રોગોનું નિવારણ થાય તે માટેનો છે. આ શિબિરમાં આરોગ્ય વિભાગ દ્વારા ઉપસ્થિત તમામનું ડાયાબિટીસ ચેકઅપ કરવામાં આવ્યું હતું તેમજ રોજિંદા જીવનમાં યોગને વણી લેવાય અને ડાયાબિટીસને નિયંત્રણ કરી નિવારણ કરી શકે તેવા યોગાસનો અને યોગીક ક્રિયાઓ કરાવવામાં આવી હતી.
યોગના નિયમિત અભ્યાસથી પાચનતંત્ર સુધરે છે અને શરીરમાં રક્તસંચાર યોગ્ય રીતે થાય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.શશાંકાસન, ગૌમુખાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન, મંડૂકાસન, વક્રાસન, સલભાસન અને ઉષ્ટ્રાસન જેવા યોગાસન રક્તમાં શુગરના સ્તરને સામાન્ય રાખવામાં મદદ કરે છે. આ આસનો પાચનક્રિયાની કાર્યક્ષમતા વધારીને ઇન્સુલિનના સ્તરનું નિયંત્રણ કરે છે.ડાયાબિટીસની સૌથી મોટી સમસ્યાઓમાંનો એક છે માનસિક તણાવ, યોગ દ્વારા અપનાવેલા કપાલભાતી તથા અન્ય પ્રાણાયામ અને ધ્યાનમાર્ગ જેવા અભ્યાસોથી મનને શાંતિ મળે છે. તણાવ ઘટાડે છે અને મનની સ્થિરતા પ્રાપ્ત થાય છે. મનની આ શાંતિ ડાયાબિટીસના નિયંત્રણમાં અગત્યનું યોગદાન આપે છે. યોગ ડાયાબિટીસને માત્ર નિયંત્રણમાં જ રાખતો નથી, પરંતુ સમયસર આ જીવનશૈલી અપનાવવાથી તે નિવારણમાં પણ મદદરૂપ થાય છે. યોગ અને પ્રાણાયામના નિયમિત અભ્યાસથી, શરીર મજબૂત અને હેલ્ધી રહે છે, જેનાથી ડાયાબિટીસ જેવી બિમારીથી દૂર રહી શકાય છે. યોગ અપનાવો, ડાયાબિટીસને દૂર ભગાવો સંદેશ સાથે ડાયાબિટીસ નિવારણ માટે ખાસ ડિઝાઇન કરેલ યોગ શિબીરનો લાભ લેવા અપીલ કરવામા આવી હતી.
આ શિબિરમાં જિલ્લા વ્યાયામ કેળવણી ટ્રસ્ટીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નિવૃત શિક્ષકશ્રી ભાનુપ્રસાદ પાઠક, જિલ્લા પતંજલિ સંગ રક્ષકશ્રી વાડીભાઈ પટેલ, એકલ અભિયાન રથ અધ્યક્ષશ્રી અજમલભાઈ બામણીયા, જિલ્લા યોગ કોઓર્ડીનેટરશ્રી ચતુરભાઈ ડામોર, આરોગ્ય વિભાગમાંથી શ્રી ડો જ્યોતિબેન પટેલ અને ટીમ, સંતરામપુર યોગ કોચશ્રી પ્રવીણભાઈ ખાંટ, લુણાવાડા યોગ કોચશ્રી આરતીબેન ચાંગલાની, કડાણા યોગ કોચશ્રી શારદાબેન વાગડીયા, પતંજલિ પરિવારનાશ્રી સુનિલભાઈ પટેલ સહિત યોગ અભ્યાસુઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ પૂર્ણ થયા બાદ સૌને આયુર્વેદિક ઉકાળો આપવામાં આપવામાં આવ્યો હતો