BODELICHHOTA UDAIPURGUJARAT

પોલીસ બનવાનું સપનું અધૂરું: રનિંગ ટેસ્ટ દરમિયાન યુવાન ઉમેદવારનું મોત

પોલીસ બનવાનું સપનું લઈને દોડમાં ઉતરેલો એક યુવાન ઉમેદવાર પોતાના પિતાની નજર સામે જ મોતને ભેટ્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ભરતી પ્રક્રિયા દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરામાં એક પરિવાર માટે આ ભરતી શોકાંતિકામાં ફેરવાઈ ગઈ છે.ગોધરાના એસ.આર.પી. ગ્રુપ-૫ના મેદાનમાં ચાલી રહેલી કોન્સ્ટેબલ ભરતીની રનિંગ ટેસ્ટ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના ૨૭ વર્ષીય જશપાલસિંહ રાઠવા અચાનક અસ્વસ્થ બન્યા હતા. રનિંગ દરમિયાન તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા તેઓ મેદાનમાં જ ઢળી પડ્યા હતા.તાત્કાલિક સારવાર માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ જશપાલસિંહનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.આ ઘટનાનો સૌથી હૃદયદ્રાવક પાસું એ છે કે, દીકરાને હિમ્મત અને પ્રોત્સાહન આપવા સાથે આવેલા પિતા પોતાના દીકરાને આંખ સામે જ અંતિમ શ્વાસ લેતા જોઈ રહ્યા હતા. પોલીસ બનવાનું સપનું લઈને આવેલા જશપાલસિંહનું સપનું અધૂરું રહી ગયું છે, જ્યારે સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા મામલે નોંધ લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને લઈને ભરતી મેદાનમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!