Zee 24 કલાક મહાસન્માન 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રના મહાનુભાવોને સન્માન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદમાં Zee 24 કલાક દ્વારા આયોજિત મહાસન્માન કાર્યક્રમની 9મી આવૃત્તિ ઉજવાઈ, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહાનુભાવોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા દાયકામાં દેશના 22 શહેરોમાં મેટ્રો સેવાઓ અને AIIMS હોસ્પિટલ્સ વિકસાવી છે, જ્યારે અગાઉ એ માત્ર 5 અને 7 શહેરોમાં સીમિત હતી. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન વર્ષ 2036માં ગુજરાતમાં ઓલિમ્પિક આયોજિત કરવાની દ્રષ્ટિ ધરાવે છે, જે તેમના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વનું પ્રતિક છે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામ અંગે પણ ચર્ચા કરતા કહ્યું કે સરકાર આવા બાંધકામો સામે કડક કાર્યવાહી કરી રહી છે. તેમણે પોતાના મતવિસ્તારના ઉદાહરણો પણ રજૂ કર્યા અને જણાવ્યું કે આવા પગલાં વિકાસની દિશામાં જરૂરી છે.
તેમણે Catch the Rain અભિયાન અંગે પણ વાત કરતા કહ્યું કે ગુજરાતના દરેક જિલ્લામાં અમૃત સરોવરોની રચના થકી વરસાદના એક-એક ટીપાંને સાચવવાની પહેલ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં તેમણે ઉલ્લેખ કર્યો કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને તેમને “Modi is the Boss” કહી સંબોધ્યા હતા.
મુખ્યમંત્રીએ ‘એક પેડ મા કે નામ’, ‘સ્વચ્છ ભારત’ અને ‘મેદસ્વિતા મુક્ત ભારત’ જેવા અભિયાનમાં લોકો જોડાય એવી અપીલ કરી. આ સાથે તેમણે એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા આહવાન કર્યું.
આ પ્રસંગે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ગાંધીનગરના મેયર મીરાં પટેલ, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્થાનિક ધારાસભ્યો, અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, Zee 24 કલાકના ચેનલ હેડ દીક્ષિત સોની તથા એવોર્ડ વિજેતાઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.