DAHODGUJARAT

ઉતરાયણ ગઈ પણ આફત રહી ગઈ! દાહોદમાં ચાઈનીઝ દોરીએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો

તા.૨૫.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ઉતરાયણ ગઈ પણ આફત રહી ગઈ! દાહોદમાં ચાઈનીઝ દોરીએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો.

ઉતરાયણનો તહેવાર વીતી ગયો છે, આકાશમાંથી પતંગો ઓછી થઈ ગઈ છે, પણ રસ્તા પર મોત બનીને લટકતી ચાઈનીઝ દોરી હજુ પણ નિર્દોષોનું લોહી પી રહી છે. દાહોદમાં આજે ફરી એકવાર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ એક યુવકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો છે. રવિવારની રજાની મોજ માણતા પતંગબાજોની બેદરકારીનો ભોગ એક સામાન્ય નાગરિક બન્યો છે.”

​આજે રવિવારની સવારે દાહોદના હુસેની મસ્જિદ નજીક નજમી મહોલ્લામાં રહેતા મુર્તુઝા ફિરોઝભાઈ બોરકીવાળા પોતાની મોપેડ લઈને સાંગા માર્કેટ તરફ જઈ રહ્યા હતા. ગરબાડા ચોકડી પાસે આવેલા શાક માર્કેટ બ્રિજ પરથી પસાર થતી વખતે અચાનક હવામાં લટકતી કાતિલ ચાઈનીઝ દોરી તેમની સામે આવી ગઈ.મુર્તુઝાભાઈએ દોરીથી બચવા ગાડી પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો, પણ ચાઈનીઝ દોરી એટલી ધારદાર હતી કે તેમના કપાળ અને માથાના ભાગે ગંભીર કાપો પડી ગયો.લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ ગંભીર હાલત જણાતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.​ઉતરાયણ પતી ગઈ હોવા છતાં બજારમાં હજુ પણ ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ કેવી રીતે થઈ રહ્યું છે?

​પ્રતિબંધ હોવા છતાં પતંગ રસિયાઓ કેમ બેફામ બનીને આ જીવલેણ દોરીનો ઉપયોગ કરી રહ્યા છે?પતંગ ચગાવવી એ મજા છે, પણ કોઈનો જીવ જોખમમાં મૂકવો એ ગુનો છે. રવિવારની તમારી એક કલાકની મોજ, કોઈના પરિવાર માટે આજીવનનું દુઃખ બની શકે મુર્તુઝાભાઈ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે સવાલ એ જ છે કે આ ‘કાતિલ માંજા’ માંથી આપણને મુક્તિ ક્યારે મળશે?

Back to top button
error: Content is protected !!