BANASKANTHAGUJARATPALANPUR

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પાયાની ધરોહર સમાન શ્રી શંકરભાઈ વાગડોદાનું નિધન

21 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુરની સ્થાપનાથી લઈ આજ દિન સુધીના વિકાસમાં શ્રી શંકરભાઈ વાગડોદાનું મહત્વનું યોગદાન રહેલું છે શ્રી શંકરભાઈ વાગડોદાનો પરોપકારી સ્વભાવ અને તેમણે શિક્ષણક્ષેત્રે આપેલું યોગદાન સમાજ હંમેશા યાદ રાખશે: રમેશ પટેલસ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પાયાની ધરોહર સમાન એવમ્ શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુરના પૂર્વ પ્રમુખશ્રી તેમજ શિક્ષણ ક્ષેત્રે અદ્ભૂત લોક ચાહના મેળવનાર સદૈવ આદરણીય સ્વ.શ્રી શંકરભાઈ ગોદડભાઈ વાગડોદાનું તા. ૧૯-૨-૨૦૨૫ના રોજ નિધન થયું છે. જેનાથી સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પરિવારને મોટી ખોટ પડી છે.શિક્ષણ માટે પોતાનું સમગ્ર આયખું ખર્ચી જનારા શ્રી શંકરભાઈ વાગડોદાનો જન્મ તારીખ ૦૩-૬-૧૯૩૮ના દિને માતા સમુબેન અને પિતા ગોદડભાઈ વાગડોદાના પરિવારમાં થયો હતો. એમણે ફિઝિક્સ વિષય સાથે એમ.એસ.સી.નો અભ્યાસ કર્યો હતો. તેઓએ પોતાના અભ્યાસ દરમિયાન ટાકરવાડા અને ધાનેરા ખાતે વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઘડતર માટે સેવાઓ આપી હતી અને પોતાનો અભ્યાસ પૂર્ણ થયા બાદ તેઓ ૧૯૬૭માં પાલનપુરની શ્રી આર.આર.મહેતા સાયન્સ કોલેજ ખાતે પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા અને ૩૧ વર્ષ સુધી સેવાઓ આપ્યા બાદ ૧૯૯૮માં વય મર્યાદાને લઈ નિવૃત્ત થયા હતા. કોલેજની પોતાની ફરજ દરમિયાન તેઓએ હજારો દીકરા-દીકરીઓના શૈક્ષણિક ઘડતરમાં પોતાનું યોગદાન આપ્યું હતું.તેઓ એવું માનતા હતા કે, “સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે, ક્રાંતિ એટલે મારામારી, ભાંગફોડ કરવી. પરંતુ ખરેખર આ ક્રાંતિ નથી પણ બળવો છે. સાચી ક્રાંતિ એટલે વ્યક્તિ અને સમાજ જીવનમાં મૂલ્યોનું પરિવર્તન. જે વિચારો અને ખ્યાલો વ્યક્તિ અને સમાજના વિકાસમાં બાધક થતાં હોય તેમને દૂર કરવાં અને જે ધારણાઓ, ખ્યાલો વ્યક્તિના વિકાસમાં પૂરક-પોષક અને ઉપકારક થતાં હોય તેમની સ્થાપના કરવી એ જ સાચી ક્રાંતિ છે.” તેમના આવા ઉચ્ચ વિચારો હતા એટલે જ તેઓ ગઢ મહાલના કુંભાસણ સહિત આજુ બાજુના ગામોના બાળકોને ઘરઆંગણે જ માધ્યમિક શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે સને ૧૯૫૫માં શરૂ થયેલ કુંભાસણ કેળવણી મંડળમાં મંત્રી તરીકે જોડાયા હતા અને કુંભાસણ હાઈસ્કૂલના વિકાસમાં યોગદાન આપ્યું હતું.શ્રી સોળગામ લેઉવા પાટીદાર સમાજમાં શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરવાની વિચારધારાને ઉપાડવા માટે સમાજના નિષ્ઠાવાન વ્યક્તિઓએ દ્રઢ સંકલ્પ કર્યો અને ગામડે ગામડે અને ઘેર ઘેર જઈને લોકસંપર્ક સાધ્યો અને તેમના અનેક મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરી સને ૧૯૭૪માં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મુકામે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળની શુભ સ્થાપના કરવામાં આવી એના સ્થાપક મંત્રી તરીકે શરૂઆતમાં સેવાઓ આપ્યા બાદ તેઓએ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. મંડળની સ્થાપના થતાંની સાથે જ શિક્ષણનો ફેલાવો સમાજના છેવાડાના ગામ લોકો સુધી પહોંચે તેવા શુભ હેતુ સાથે સૌપ્રથમ પાલનપુરમાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે સને ૧૯૮૨માં છાત્રાલયની શરૂઆત કરવામાં આવી અને ત્યારબાદ સને ૧૯૮૬માં શ્રી કે.કે. ગોઠી હાઈસ્કૂલની સ્થાપના થઈ અને સને ૧૯૯૩માં સ્વસ્તિક પ્રાથમિક શાળાની સ્થાપના થઈ. ત્યારબાદ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલનો તબક્કાવાર વિકાસ થયો અને એક નાનકડાં બીજમાંથી આજે સંસ્થા વટવૃક્ષમાં ફેરવાઈ છે એના મૂળમાં શ્રી શંકરભાઈ વાગડોદાનું મહત્વનું યોગદાન રહેલું છે. તેઓ આજીવન સ્વસ્તિક શૈક્ષણિક સંકુલની પ્રગતિ માટે સક્રિય રહ્યા હતા અને તેઓનું અમૂલ્ય માર્ગદર્શન આપતા રહ્યા હતા. તેઓએ બનાસકાંઠા જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવાઓ આપી હતી અને બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે પ્રયત્નો કર્યા હતા. તેઓ શિક્ષણપ્રેમી, સાદગી, સ્વાશ્રય, શિસ્ત, પરોપકારી, વહીવટી કુશળતા, સ્પષ્ટવકતા,કર્તવ્યપરાયણ જેવા ગુણોથી સંપન્ન હતા. શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના વર્તમાન પ્રમુખ રમેશભાઈ પટેલે જણાવ્યું છે કે, “શ્રી શંકરભાઈ વાગડોદાનો પરોપકારી સ્વભાવ અને તેમણે શિક્ષણક્ષેત્રે આપેલું યોગદાન સમાજ હંમેશા યાદ રાખશે. તેમના નિધનથી સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પરિવારે એક મોભી ગુમાવ્યાની લાગણી અનુભવી છે. પરમાત્મા એમના દિવગંત આત્માને ચિર શાંતિ અર્પે એવી અમે પ્રાર્થના કરીએ છીએ‌.

Back to top button
error: Content is protected !!