
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસા તાલુકાના લચ્છાઇ ગામે મિતેષભાઈ પંડ્યાની ૩૫૦ વીઘા પર ડ્રેગનફ્રુટ-જામફળની બાગાયતી ખેતીએ રચ્યો સફળતાનો નવો દાખલો
બાગાયત વિભાગના સહયોગથી મિતેષભાઈ પંડ્યાનો ફાર્મ બન્યો અરવલ્લીના ખેડૂતો માટે પ્રેરણાસ્થાન…૩૫૦ વીઘે ડ્રેગનફ્રુટ-જામફળની આધુનિક ખેતીથી મિતેષ પંડ્યાએ બતાવ્યો ગુજરાતના ખેડૂતોનું ઉજ્જવળ ભવિષ્ય
અરવલ્લી જિલ્લામાં પરંપરાગત ખેતીની જૂની પદ્ધતિઓને પડકારતાં, નવી પેઢીના ખેડૂતો આધુનિક અને બાગાયતી ખેતી અપનાવીને આર્થિક સમૃદ્ધિનો નવો દાખલો રચી રહ્યા છે. આવું જ એક ચમકતું ઉદાહરણ છે સાબરકાંઠા જિલ્લાના મૂળ વતની શ્રી મિતેષભાઈ પંડ્યા, જેમણે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લચ્છાઇ ગામે આશરે ૩૫૦ વીઘા જમીન પર ડ્રેગનફ્રુટ, તાઇવાન પ્રજાતિના જામફળ તેમજ બટાકાની વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે
આ ફાર્મના મેનેજરે જણાવ્યું હતું કે, “બાગાયત વિભાગના માર્ગદર્શન અને સતત સહયોગથી અમે અહીં આધુનિક તકનીકો અને પ્રાકૃતિક ખેતપદ્ધતિઓ અપનાવી છે. ખાસ કરીને તાઇવાન પ્રજાતિનું જામફળ અને ડ્રેગનફ્રુટનું વાવેતર ખૂબ જ સફળ રહ્યું છે. હાલમાં જામફળનો પાક પણ બજારમાં પહોંચી રહ્યો છે અને બજારમાં તેની માંગ અને ભાવ બંને સારા મળી રહ્યા છે.”આ સાથેજ 20-25 જેટલાં લોકોને રોજગારી પણ મળી રહી છે…આ સફળતા મિતેષભાઈની મહેનતની સાથે ગુજરાત સરકારના બાગાયત વિભાગની સક્રિય ભૂમિકાનું પણ પરિણામ છે. વિભાગ દ્વારા ખેડૂતોને ટેકનિકલ માહિતી, ટ્રેનિંગ, ગુણવત્તાયુક્ત રોપા તેમજ સબસીડીની પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે, જેનાથી ખેડૂતોમાં નવા પાકો અપનાવવાની હિંમત અને આત્મવિશ્વાસ વધે છે.
અરવલ્લી જિલ્લામાં આવી બાગાયતી ખેતીનો ઝડપી વિસ્તાર થઈ રહ્યો છે. પરંપરાગત અનાજની ખેતી સાથે-સાથે ડ્રેગનફ્રુટ, જામફળ, પપૈયા, લીંબુ વર્ગના ફળો તેમજ શાકભાજીની ખેતી કરીને અનેક ખેડૂતોએ પોતાની આવકમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ ખેતીથી પાણીનો વધુ પડતો વપરાશ ઘટે છે, જમીનની ફળદ્રુપતા જળવાય છે અને બજારમાં મળતા ઊંચા ભાવને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
મિતેષભાઈ પંડ્યાનો આ ફાર્મ આજે અરવલ્લી તેમજ આસપાસના વિસ્તારના ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે. ઘણા ખેડૂતો તેમના ફાર્મની મુલાકાત લઈને નવી ટેકનિકો શીખી રહ્યા છે અને પોતાની જમીન પર પણ આવા પાકોનું વાવેતર કરવા આતુર બન્યા છે.આ સફળતા એ સાબિત કરે છે કે સરકારી યોજનાઓનો સાચા અર્થમાં લાભ લઈને, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવીને અને મહેનત કરીને ગુજરાતનો ખેડૂત દેશનો સૌથી સમૃદ્ધ ખેડૂત બની શકે છે. મિતેષભાઈ પંડ્યા જેવા યુવા ખેડૂતો ગુજરાતની ખેતીનું ભવિષ્ય ઉજ્વળ બનાવી રહ્યા છે અને બીજા ખેડૂતોને પણ પરંપરાગત ખેતીમાંથી બાગાયતી ખેતી તરફ નો સફળ માર્ગ બતાવી રહ્યા છે.





