INTERNATIONAL

બે હાઈ-સ્પીડ ટ્રેન સામ-સામે અથડાતા 21ના મોત

દક્ષિણ સ્પેનમાં એક અત્યંત ભયાનક ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બે હાઈ-સ્પીડ ટ્રેનોની સામ-સામે થયેલી જોરદાર ટક્કરમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક ટ્રેન ખોટા ટ્રેક પર આવી જતાં આ ગોઝારી ઘટના બની હતી.

આ ભીષણ દુર્ઘટના સ્પેનના કોર્ડોબામાં એડમ્યુઝ સ્ટેશન પાસે રવિવારે સાંજે 5:40 GMT (ભારતીય સમય મુજબ રાત્રે 11:10) વાગ્યે થઈ હતી. સ્પેનની રેલ સંસ્થા ADIFએ જણાવ્યું કે, મલાગાથી મેડ્રિડ જઈ રહેલી ટ્રેન (ઈર્યો 6189) પાટા પરથી ઉતરી ગઈ અને બાજુના ટ્રેક પર ચાલી ગઈ. તે જ સમયે, સામેથી મેડ્રિડથી હુએલ્વા જઈ રહેલી બીજી ટ્રેન સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી.

આ દુર્ઘટનાને પગલે મેડ્રિડ અને એન્ડાલુસિયા વચ્ચેની હાઈ-સ્પીડ રેલ સેવા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. એન્ડાલુસિયા ઈમરજન્સી સેવાઓએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તમામ રેલ ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે અને ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. જોકે, મેડ્રિડ, ટોલેડો, સ્યુદાદ રિયલ અને પુએર્ટોલ્લાનો વચ્ચેની અન્ય કોમર્શિયલ સેવાઓ સામાન્ય રીતે ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સપ્તાહની શરૂઆતમાં થાઈલેન્ડમાં પણ ટ્રેનના પાટા પરથી ઉતરી જવાની આવી જ એક ગંભીર ઘટના બની હતી, જેમાં એક ક્રેન તૂટી પડવાને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. તે દુર્ઘટનામાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા હતા અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા.

Back to top button
error: Content is protected !!