ભારતીય ચલણ બજારમાં એક મોટો આંચકો, 1Dollar = 90.23 Indian Rupee

ભારતીય ચલણ બજારમાં આજે સવારે એક મોટો આંચકો જોવા મળ્યો છે. અમેરિકન ડોલર સામે રૂપિયો પ્રથમ વખત ₹90 પ્રતિ ડોલરના સ્તરને પાર કરી ગયો છે, જે અત્યાર સુધીનું સૌથી નબળું સ્તર છે. બજાર ખુલતાની સાથે જ દબાણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું અને રૂપિયા પર વેચવાલીનો મારો યથાવત રહ્યો હતો.
ભારતીય રૂપિયો આજે અમેરિકન ડોલર સામે ઇતિહાસનો સૌથી મોટો ઘટાડાનો દિવસ લઈને આવ્યો. રૂપિયો પ્રથમ વખત ₹90/$ ની નીચે ગગડ્યો અને બજાર ખુલતાની સાથે જ રેકોર્ડ નબળાઈ નોંધાવી. તે 89.87 પ્રતિ ડોલરના અગાઉના બંધ સામે 89.97 પર ખુલ્યો, પરંતુ થોડી જ વારમાં ગગડીને ₹90.23/$ ના ઓલ-ટાઇમ નીચલા સ્તરે પહોંચી ગયો. વિદેશી માંગ, ડોલરની મજબૂતાઈ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓએ રૂપિયા પર ભારે દબાણ બનાવ્યું છે.
રૂપિયાના આ રેકોર્ડ બ્રેક ઘટાડા પાછળ અનેક મોટા કારણો છે:
ડોલર ઇન્ડેક્સમાં તેજી: છેલ્લા ઘણા દિવસોથી અમેરિકન ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે. વિશ્વભરના રોકાણકારો સુરક્ષિત રોકાણની શોધમાં ડોલરમાં રોકાણ કરી રહ્યા છે.
વિદેશી ભંડોળનું વેચાણ (FII આઉટફ્લો): વિદેશી રોકાણકારો હાલમાં ભારતીય બજારમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે. જ્યારે FII સતત વેચાણ કરે છે, ત્યારે ડોલરની માંગ વધે છે અને રૂપિયો નબળો પડે છે.
વૈશ્વિક અનિશ્ચિતતા: અમેરિકાની આર્થિક નીતિ, વ્યાજદરો પરની અટકળો અને વિશ્વના ઘણા ભાગોમાં તણાવ – આ બધું મળીને ડોલરને તાકાત અને રૂપિયાને નબળાઈ આપી રહ્યું છે.
ડૉલર 90 રૂપિયાને પાર જતાં શું થશે?
રૂપિયાનું 90ને પાર જવું એ માત્ર એક મનોવૈજ્ઞાનિક સ્તર તૂટવાની વાત નથી, પરંતુ તે બજારમાં વિશ્વાસના બદલાવનો પણ સંકેત આપે છે.
આયાત મોંઘી થશે: પેટ્રોલ-ડીઝલની કિંમત વધી શકે છે.
ઇલેક્ટ્રોનિક્સ, મોબાઇલ, મશીનરી જેવી વસ્તુઓ મોંઘી થશે.
વિદેશમાં ભણવા કે ફરવા જનારા ભારતીયોનું બજેટ ખોરવાશે.
કંપનીઓનું ફોરેક્સ એક્સપોઝર વધશે.
સામાન્ય રીતે જ્યારે રૂપિયો અચાનક નબળો પડે છે, ત્યારે RBI ડોલર વેચીને દબાણ ઘટાડવાનો પ્રયાસ કરે છે. પરંતુ 90/$નું સ્તર તૂટવું એ દર્શાવે છે કે બજારની માંગ ખૂબ જ વધારે છે અને કેન્દ્રીય બેંકની દખલગીરીની અસર મર્યાદિત રહી છે.
નિષ્ણાતોનું કહેવું છે કે જો વૈશ્વિક પરિબળો સુધરશે નહીં, તો રૂપિયામાં વધુ ઘટાડો શક્ય છે. બજાર હવે RBIના આગામી પગલાં અને વૈશ્વિક ડોલરના વલણ પર નજર રાખી રહ્યું છે.



