મક્કાથી મદીના જઈ રહેલી બસ ટેન્કર સાથે ટકરાઈ, 42 ભારતીયો જીવતાં સળગી ગયા

સોમવારે વહેલી સવારે સાઉદી અરેબિયામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 42 ભારતીય ઉમરાહ યાત્રાળુઓના મોતની આશંકા છે. આ યાત્રાળુઓમાંથી ઘણા તેલંગાણાના હૈદરાબાદના હોવાનું જાણવા મળે છે. મક્કાથી મદીના જતી બસ મુફ્રીહાટ વિસ્તાર નજીક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો.
શરૂઆતના અહેવાલો અનુસાર આ અથડામણ એટલી ગંભીર હતી કે ઘણા લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક અધિકારીઓ અને કટોકટી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી.
તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ ઘટનાની તાત્કાલિક નોંધ લીધી છે અને મુખ્ય સચિવ કે. રામકૃષ્ણ રાવ અને ડીજીપી બી. શિવધર રેડ્ડીને તાત્કાલિક બધી માહિતી એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્ય સરકાર અસરગ્રસ્ત પરિવારોને સહાય પૂરી પાડવા માટે વિદેશ મંત્રાલય (MEA) અને સાઉદી દૂતાવાસ સાથે કામ કરી રહી છે.
પીડિતોના પરિવારોને માહિતી પૂરી પાડવા માટે તેલંગાણા સચિવાલયમાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે અને હેલ્પલાઇન નંબરો જારી કરવામાં આવ્યા છે.
અકસ્માતના પ્રતિભાવમાં જેદ્દાહમાં ભારતીય કોન્સ્યુલેટે 24×7 કંટ્રોલ રૂમ સ્થાપ્યો છે. કોન્સ્યુલેટે એક ટોલ-ફ્રી નંબર પણ જારી કર્યો છે: 8002440003. અધિકારીઓ પીડિતો અને ઘાયલો વિશે વધુ વિગતવાર માહિતી એકત્રિત કરી રહ્યા છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે રિયાધમાં ભારતીય દૂતાવાસ અને જેદ્દાહમાં કોન્સ્યુલેટ જનરલ અસરગ્રસ્ત ભારતીયો અને તેમના પરિવારોને તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. પોતાના ટ્વીટમાં તેમણે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.





