Dinga Dinga નામના એક નવા વાયરસે સમગ્ર વિશ્વમાં લોકોને ચિંતામાં મૂકી દીધા !!!

ફરી એકવાર Dinga Dinga નામના એક નવા વાયરસે સમગ્ર વિશ્વમાં લોકોને ચિંતામાં મૂકી દીધા છે. આ વાયરસ આફ્રિકાના યુગાન્ડામાં સામે આવ્યો છે. ‘ડિંગા ડિંગા’ નો અર્થ થાય છે ‘નૃત્ય કરતા હોય તેમ હલતા રહેવું.’ આ રોગ મુખ્યત્વે યુગાન્ડાના બુંદીબુગ્યો જિલ્લાની સ્ત્રીઓમાં જોવા મળ્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, પૂર્વ આફ્રિકન દેશ યુગાન્ડાના બુંદીબુગ્યો જિલ્લામાં લગભગ 300 લોકો આ વાયરસની ચપેટમાં આવ્યા છે. જેમાં મોટાભાગે મહિલાઓ અને છોકરીઓ છે. જો આ બીમારીના લક્ષણોની વાત કરીએ તો તેમાં તાવ અને નબળાઈ આવી જાય છે. તેમજ શરીરમાં બેકાબૂ ધ્રુજારી આવે છે. જેના કારણે ચાલવામાં તકલીફ થાય છે. ગંભીર કિસ્સાઓમાં, લોકો લકવાગ્રસ્ત પણ બની રહ્યા છે.
યુગાન્ડાના આરોગ્ય અધિકારીઓ આ રહસ્યમય રોગ અને તેની પાછળના કારણોની તપાસ કરી રહ્યા છે. જો કે કોઈનું મૃત્યુ નોંધાયું નથી, આરોગ્ય અધિકારીઓ સમયસર તબીબી સંભાળ મેળવવાનો આગ્રહ રાખે છે.
હાલમાં આરોગ્ય ટીમો દ્વારા ઉપચાર માટે એન્ટિબાયોટિક્સ આપવામાં આવી રહી છે. તેમજ તેમનું કહેવું છે કે દર્દીઓ સજા થવામાં એક અઠવાડિયા જેટલો સમય લાગે છે. આ બીમારીને ફેલાતી અટકાવવા માટે સ્વાસ્થ્ય અધિકારીએ પણ સ્વચ્છતા રાખવાની તેમજ સંક્રમિત વ્યક્તિના ડાયરેક્ટ સંપર્કમાં ન આવવવાની સલાહ આપી રહ્યા છે.
જો કે મળતી જાણકારી મુજબ બુંદીબુગ્યોની બહાર કોઈ કેસ નોંધાયા નથી. પરંતુ ત્યાં લગભગ 300 કેસ નોંધાયા છે. હાલ અસરગ્રસ્ત વ્યક્તિઓના સેમ્પલ્સ વધુ પરીક્ષણ માટે યુગાન્ડાના આરોગ્ય મંત્રાલયને મોકલવામાં આવ્યા છે.



