વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા.14 જુલાઈ : મુન્દ્રાના બારોઇ રોડ, પારસ નગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ચાલી રહેલા હિંડોળા દર્શન ભક્તો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે. હરિને હૈયાના હિંડોળે ઝુલાવવાનો આ ઉત્સવ એટલે હિંડોળા ઉત્સવ, જે આત્માને પરમાત્મામાં જોડી ભક્તિના પુષ્પો અર્પણ કરવાનો અનુપમ અવસર પૂરો પાડે છે.હિંડોળા ઉત્સવ સંતો અને ભક્તોના હૃદયમાં ભક્તિના પૂર રેલાવે છે. આ પર્વ દરમિયાન મહાપ્રભુજીની નિકટ આવવાની સુવર્ણ તક ભક્તોને સાંપડે છે. ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં સંતો અને ભક્તો દ્વારા આ હિંડોળા ઉત્સવની ઉજવણી અત્યંત ભક્તિભાવ અને ઉમંગ-ઉલ્લાસપૂર્વક કરવામાં આવે છે.કેરા-કુંદનપરની સાંખ્યયોગી બહેનો અને મહિલા મંડળના ભક્તો દરરોજ હિંડોળાને નૂતન પદાર્થોથી શણગારે છે. હાલમાં સુગંધી પુષ્પો, રીબીન પટ્ટી, આંબીલા, મઢવર્ક, મંડાલા, ઝબલા થેલી, કઠોળ, ચીકુના બી, આભલા, પેન્સિલ કલર, ટિશ્યુ પેપર, પ્લાસ્ટિક ગ્લાસ, પિસ્તા-બદામના ખોખા જેવા વિવિધ સુંદર અને કલાત્મક ગોઠવણીથી કંડારેલા હિંડોળામાં પ્રભુને બિરાજમાન કરવામાં આવે છે. સાંયકાળે પ્રભુપ્રેમી સંતો અને ભક્તો તન, મન અને ધનથી સેવા કરીને પોતાના લાડકોડ અને મનોરથ પરિપૂર્ણ કરે છે.જ્યારે મહાપ્રભુજી મંદ-મંદ મુસ્કાન કરીને હિંડોળામાં બિરાજમાન થાય છે, ત્યારે સંતો અને ભક્તો ઝાંઝ, મંજીરા, ઢોલક જેવા વાજિંત્રો તાલબદ્ધ વગાડીને હિંડોળાના પદો ગાઈને ઉત્સવ મનાવે છે. સંધ્યા સમયે સંતો ભગવાનની સંધ્યા આરતી કરે છે.આ હિંડોળા ઉત્સવ અષાઢ વદ બીજથી શરૂ થઈને શ્રાવણ વદ બીજ સુધી એટલે કે એક મહિના સુધી ચાલે છે. આ હિંડોળા દર્શનમાં કેરા-કુંદનપરની સાંખ્યયોગી બહેનો, મહિલા મંડળની બહેનો, જયેશભાઈ વાઘજીયાણી, હિતેશભાઈ ઠક્કર અને કિર્તીભાઈ પરમાર સહિત અનેક ભક્તજનોનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.