અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો

અમેરિકા જવા માગતા પ્રવાસીઓની મુશ્કેલી વધી શકે છે. યુએસ પ્રમુખ દ્વારા વિશ્વભરના અનેક દેશો પર વિવિધ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ લિસ્ટમાં શામેલ દેશોમાં સ્ક્રીનીંગ, ચકાસણી અને માહિતી શેરિંગમાં લગાદાર અને ગંભીર ખામીઓ જોવા મળી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. તેઓ હવે ડઝનબંધ દેશોના લોકોની અમેરિકામાં એન્ટ્રી રોકી રહ્યા છે. મંગળવારે તેમણે સંપૂર્ણ અથવા આંશિક મુસાફરી પ્રતિબંધોની યાદીમાં દેશોની સંખ્યા 39 સુધી વધારીને એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. આ પગલું અમેરિકામાં પ્રવેશ નિયમો અને ઇમિગ્રેશન ધોરણોને વધુ કડક બનાવવાની નીતિ માટે ઉઠાવવામાં આવ્યા છે.
વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ, “આ ઘોષણા હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધો અને મર્યાદાઓ એવા વિદેશી નાગરિકોના પ્રવેશને રોકવા માટે જરૂરી છે જેમના વિશે અમેરિકા પાસે તેમના સંભવિત જોખમનો હિસાબ લગાવવા માટે પૂરતી માહિતી નથી. વધુમાં તેનો હેતુ વિદેશી સરકારો પાસેથી સહયોગ મેળવવા, ઇમિગ્રેશન કાયદાઓ લાગુ કરવા અને વિદેશ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ વિરોધી જેવા મહત્વપૂર્ણ ઉદ્દેશ્યોને આગળ વધારવાનો છે.
એક મીડિયા રીપોર્ટ મુજબ 7 દેશોના મુસાફરોને અમેરિકામાં સંપૂર્ણ પ્રતિબંધની લિસ્ટમાં જોડવામાં આવ્યા છે. જ્યારે આંશિક પ્રતિબંધ હવે 15 નવા દેશો પર લાગુ થશે. આ ફેરફારો 1 જાન્યુઆરીથી અમલમાં આવશે.
સંપૂર્ણ મુસાફરી પ્રતિબંધ સૂચિમાં ઉમેરાયેલા દેશો
લાઓસ, સિએરા લિયોન, બુર્કિના ફાસો, માલી, નાઇજર, દક્ષિણ સુદાન અને સીરિયા. લાઓસ અને સિએરા લિયોન અગાઉ આંશિક પ્રતિબંધ સૂચિમાં હતા, જ્યારે દક્ષિણ સુદાન પર પહેલાથી કડક મુસાફરી પ્રતિબંધો હતા.
આંશિક મુસાફરી પ્રતિબંધ સૂચિમાં ઉમેરાયેલા દેશો
અંગોલા, એન્ટિગુઆ અને બાર્બુડા, બેનિન, કોટ ડી આઇવોર, ડોમિનિકા, ગેબોન, ગામ્બિયા, માલાવી, મૌરિટાનિયા, નાઇજીરીયા, સેનેગલ, તાંઝાનિયા, ટોંગા, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે.
હાલમાં અમેરિકા દ્વારા સંપૂર્ણ મુસાફરી પ્રતિબંધ હેઠળના દેશો : અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, કોંગો ગણરાજ્ય, ઇકેટોરિયલ ગિની, ઇરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન અને યમન.
હાલમાં અમેરિકા દ્વારા આંશિક મુસાફરી પ્રતિબંધ હેઠળના દેશો : બુરુન્ડી, ક્યુબા, લાઓસ, સીએરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલા.




