આણંદ – ગંભીરા બ્રિજ દુર્ઘટના 10 મૃતકના પરિવારોને 4-4 લાખની સહાય, કુલ ₹40 લાખના ચેકનું વિતરણ
આણંદ – ગંભીરા બ્રિજ દુર્ઘટના 10 મૃતકના પરિવારોને 4-4 લાખની સહાય, કુલ ₹40 લાખના ચેકનું વિતરણ
તાહિર મેમણ – આણંદ – – 13/07/2025 – મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રાજ્ય સરકારની આર્થિક સહાય આજે વિતરણ કરવામાં આવી. આ દુર્ઘટનામાં આંકલાવ તાલુકાના વિવિધ ગામોમાંથી 8 વ્યક્તિઓ અને બોરસદ તાલુકાના દેહવાણ ગામના 2 વ્યક્તિઓ સહિત કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આંકલાવ તાલુકામાં બામણગામના 4, ગંભીરા ગામના 2, નવાપુરા અને દેવાપુરા ગામમાંથી 1-1 વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી સહાય અંતર્ગત દરેક મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી.
આણંદના સાંસદ મિતેષભાઈ પટેલના હસ્તે આંકલાવ તાલુકાના મૃતકોના પરિવારજનોને સહાયના ચેક અપાયા. બોરસદ તાલુકાના દેહવાણ ગામના મૃતકોના પરિવારજનોને દેહવાણના સરપંચની હાજરીમાં ચેક અપાયા. સાંસદે મૃતકોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી.
કાર્યક્રમમાં બોરસદના પ્રાંત અધિકારી અમિત પટેલ, આંકલાવના મામલતદાર સોમભાઈ પટેલ, સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારે તાત્કાલિક મંજૂરી આપીને વિના વિલંબે આ સહાય ચૂકવી આપી છે.