બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાંપ્રધાન ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાનું આજે 80 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હાલમાં જ તેમના પુત્ર વર્ષો બાદ બાંગ્લાદેશ પરત ફર્યા હતા. બાંગ્લાદેશ નેશનલ પાર્ટીએ X પર પોસ્ટ કરી જણાવ્યું, કે આજે ફજરની નમાઝ બાદ સવારે 6 વાગ્યે ખાલિદા ઝિયાએ અંતિમ શ્વાસ લીધા.
નોંધનીય છે કે ખાલિદા ઝિયાને લીવર, ડાયાબિટીસ તથા હૃદય રોગની બીમારી હતી અને છેલ્લા દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમના નિધન બાદ હવે BNPની કમાન તેમના પુત્ર તારિક રહેમાનના હાથમાં રહેશે. તેઓ અત્યાર સુધી કાર્યકારી પ્રમુખ તરીકે કામ કરી રહ્યા હતા. તેઓ જેલની સજાના ડરથી શેખ હસીના શાસનકાળ દરમિયાન બાંગ્લાદેશ છોડી જતાં હતા. જોકે હાલમાં જ તેઓ 17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત આવ્યા છે.
બાંગ્લાદેશના રાજકારણમાં ત્રણ દાયકાથી બે બેગમ વચ્ચે લોહિયાળ યુદ્ધ ચાલી રહ્યું હતું. યુદ્ધના મુખ્ય પાત્રો હતા બે શક્તિશાળી મહિલા નેતા: શેખ હસીના વાજેદ (અવામી લીગ) અને બેગમ ખાલિદા ઝિયા (બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી-BNP). એક સમયે બંને સામૂહિક રીતે સરમુખત્યારશાહી સામે લડી હતી, પણ સત્તાની લાલચમાં બંને એકબીજાની દુશ્મન બની બેઠી. જોકે હવે શેખ હસીના ભારતમાં છે જ્યારે આજે ખાલિદા ઝિયાનું નિધન થયું છે. એવામાં હવે બાંગ્લાદેશમાં નવા જ પ્રકારનું રાજકારણ જોવા મળશે.
30 મે, 1981ના રોજ, પૂર્વ રાષ્ટ્રપતિ અને ખાલિદા ઝિયાના પતિ, જનરલ ઝિયાઉર રહેમાનની પણ ચિત્તગોંગમાં લશ્કરી બળવાખોરોએ હત્યા કરી દીધી. એ સમયે ખાલિદા ઝિયા ગૃહિણી હતા. પતિના અવસાન પછી તેમણે પતિએ સ્થાપેલી પાર્ટી BNPનું સુકાન સંભાળ્યું અને રાજકારણમાં પગ મૂક્યો.
વર્ષ 1978માં જનરલ ઝિયાઉર રહેમાન દ્વારા બાંગ્લાદેશ સેનાના પ્રમુખ બનાવાયેલા હુસૈન મુહમ્મદ ઇર્શાદને ઝિયાઉર રહેમાનની હત્યા બાદ સત્તાલાલસા જાગી. તેમણે 1982માં સૈન્ય તખ્તાપલટ કરીને તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ સત્તારની સરકાર ગબડાવી દીધી અને પોતે રાષ્ટ્રપતિ બનીને સંપૂર્ણ અધિકારો હાંસલ કરી લીધા. માર્શલ લૉ લાદીને તેમણે રાજકીય પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો, રાજકીય પક્ષો ભંગ કર્યા અને વિરોધી નેતાઓને જેલમાં ધકેલી દીધા. પોતાની સરમુખત્યારશાહી પર ઢાંકપિછોડો કરવા તેમણે 1983માં ‘જાતીય પક્ષ’ નામની પાર્ટીની સ્થાપના કરી. ઇર્શાદને સત્તા પરથી હટાવવા માટે શેખ હસીના વાજેદ અને ખાલિદા ઝિયા એક થયા. 1987માં શરુ થયેલા આ આંદોલનને વ્યાપક લોકસમર્થન મળ્યું. આખરે 4 ડિસેમ્બર 1990ના રોજ ઇર્શાદે રાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપવું પડ્યું. 1991માં ભ્રષ્ટાચારના આરોપ હેઠળ તેમની ધરપકડ થઈ.




