INTERNATIONAL

વર્ષ 2100 સુધીમાં વિશ્વની વસ્તી અડધી થઈ જશે, ભારત પર પણ સંકટ !!!

વિશ્વભરમાં મનુષ્યોની વસ્તી સતત વધતી જઇ રહી છે. ગયા વર્ષે 15 નવેમ્બરે પૃથ્વી પર મનુષ્યોની વસ્તી 800 કરોડને પાર થઇ ગઇ હતી. પણ તમે જાણીને ચોંકી ઉઠશો કે વર્ષ 2100 સુધીમાં વિશ્વની વસ્તી અત્યારની વસ્તીની સરખામણીએ ઘટીને લગભગ અડધી થઇ જશે. તમારા મનમાં સવાલ થઇ રહ્યો હશે કે સતત વસ્તી વધારા વચ્ચે વૈશ્વિક વસ્તી અડધી કઇ રીતે થઇ જશે? તો ચાલો જાણીએ આ પાછળના કારણ વિશે.

યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ (UN DESA)ના રિપોર્ટ મુજબ વર્ષ 2037 સુધી વૈશ્વિક વસ્તી વધીને 900 કરોડને પાર પહોંચી જશે. આ ઉપરાંત વર્ષ 2058 સુધીમાં પૃથ્વી પર માનવ જાતની વસ્તી 1000 કરોડને પાર થઇ જશે. પરંતુ જે વસ્તી અત્યારે સતત વધી રહી છે, તે વર્ષ 2100 સુધીમાં ઝડપથી ઘટવા લાગશે.

વિવિધ રિપોર્ટ્સ મુજબ, આગામી 75 વર્ષોમાં ભારત અને ચીન જેવા વધુ વસ્તી ધરાવતા દેશોમાં વસ્તીનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઘટશે. લેન્સેટના રિપોર્ટ મુજબ, ચીન, ભારત, પાકિસ્તાન, નાઇજીરિયા, અમેરિકા, ઇન્ડોનેશિયા, ઇથોપિયા અને કૉંગો જેવા દેશોની વસ્તીમાં આગામી 75 વર્ષોમાં ભારે ઘટાડો જોવા મળશે.

લેન્સેટના રિપોર્ટ મુજબ, હાલ ભારતની કુલ વસ્તી 144 કરોડથી પણ વધુ થઇ છે. વર્ષ 2048 સુધીમાં દેશની વસ્તી 160 કરોડ થઇ જશે. જોકે, તે પછી વસ્તીમાં સતત ઘટાડો જોવા મળશે. વર્ષ 2100 સુધીમાં ભારતની વસ્તી ઘટીને 109 કરોડ જ રહી જશે. આમ 2048 પછી 52 વર્ષના સમયગાળામાં ભારતની વસ્તીમાં અંદાજે 51 કરોડનો ધરખમ ઘટાડો જોવા મળશે.

રિપોર્ટમાં જણાવ્યાનુસાર, વર્ષ 2100માં ચીનની વસ્તી ઘટીને 73 કરોડ, અમેરિકાની વસ્તી 33.5 કરોડ, ઇન્ડોનેશિયાની વસ્તી 22.8 કરોડ, પાકિસ્તાનની વસ્તી 24.8 કરોડ, બ્રાઝીલની વસ્તી 21.1 કરોડ અને બાંગ્લાદેશની વસ્તી 8.1 કરોડ થઇ જશે. એટલે કે વર્ષ 2100 સુધીમાં વિશ્વના દરેક દેશોમાં વસ્તી ઘટાડો જોવા મળશે અને વૈશ્વિક વસ્તી ઘટીને અડધી થઇ જશે.

Back to top button
error: Content is protected !!