ભારતીય પાસપોર્ટની રેન્કિંગમાં પાંચ પોઈન્ટનો ઘટાડો, 80 માંથી 85માં ક્રમાંકે આવી ગયો
વિશ્વભરના દેશોના પાસપોર્ટનું મૂલ્યાંકન કરતી હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ-2025 દ્વારા ‘કયા દેશનો પાસપોર્ટ સૌથી મજબૂત’ તેની યાદી જાહેર કરી છે. વિઝા મુક્ત અથવા વીઝા ઓન એરાઈવલ એટલે કે, તે એવી સુવિધા છે, જેમાં તમારે કોઈ ચોક્કસ દેશની યાત્રા શરૂ કરતા પહેલાં તે દેશનો વીઝા લેવાની જરૂર પડતી નથી. આ જ બાબતનું મૂલ્યાંકન કરીને હેનલેએ યાદી જાહેર કરી છે અને તેમાં પ્રથમ ક્રમાંકે સિંગાપુરનું નામ છે. એટલે કે, સિંગાપુરના નાગરિકો વિઝા વગર સૌથી વધુ દેશોમાં પ્રવાસ કરી શકે છે.
ભારતીય પાસપોર્ટની વાત કરીએ તો તેની રેન્કિંગમાં પાંચ પોઈન્ટનો ઘટાડો થયો છે. ગત વર્ષે ભારતીય પાસપોર્ટ 80માં ક્રમાંકે હતો અને હવે તે 85માં ક્રમાંકે આવી ગયો છે. જોકે અગાઉના રિપોર્ટમાં ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ 77માં ક્રમાંકે પહોંચી ગયું હતું.
રિપોર્ટ મુજબ, ભારતીય નાગરિકે વીઝા ઓન એરાઈવલ હેઠળ 57 દેશોનો પ્રવાસ કરી શકે છે. વીઝા-ઓન-અરાઈવલ એટલે કે મુસાફરી પહેલા વીઝા લેવાની જરૂર પડતી નથી. દેશનો નાગરિક અન્ય દેશમાં પહોંચે ત્યારે તેને વીઝા આપવામાં આવે છે.
શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં સિંગાપુર પહેલા સ્થાને છે, જ્યારે દક્ષિણ કોરિયા બીજા અને જાપાન ત્રીજા સ્થાને છે. વીઝા ઓન એરાઈવલની સુવિધા હેઠળ સિંગાપુરનો નાગરિક 193 દેશોમાં પ્રવાસ કરી શકે છે. જ્યારે દક્ષિણ કોરિયાનો નાગરિક 190 અને જાપાનનો નાગરિક 189 દેશોમાં પ્રવાસ કરી શકે છે.
અમેરિકાના પાસપોર્ટની શક્તિમાં ઘટાડો થયો છે અને તે ટોપ-10માંથી બહાર ફેંકાઈ ગયું છે. જ્યારે આપણા પડોશી દેશ ચીનના પાસપોર્ટ રેન્કિંગમાં ઘણો સુધારો થયો છે. 2015ના ડેટા મુજબ, ચીનના પાસપોર્ટની રેન્કિંગ 94 હતી અને હવે તે 64 નંબરે પહોંચી ગઈ છે.