ઝઘડિયાના યુવાનની પ્રેમ પ્રકરણમાં ગળું દબાવી હત્યા, 2 આરોપી ઝબ્બે
સમીર પટેલ, ભરૂચ
મૃતક આરોપીની બહેન સાથે લગ્ન કરતો ન હોવાથી કાવતરૂ રચ્યું
ઝઘડિયાના યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ઘરેથી શાકભાજી લેવા જવ છું કહીને નીકળેલા યુવાનનો મૃતદેહ કુંવરપરાની સીમમાંથી મળી આવ્યો હતો. મૃતક બે પૈકી એક આરોપીની બહેન સાથે લગ્ન કરતો ન હોવાની રીસ રાખી તેને કુંવરપરા બોલાવી માર મારી ગળુ દબાવી હત્યા કરી દેવામાં આવી હતી. હાલ તો પોલીસે બંને આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાં છે. ઝઘડિયાની નવીનગરીમાં રહેતો અનિલ વસાવા લાપત્તા થયા બાદ શુક્રવારના રોજ તેનો મૃતદેહ કુંવરપરા ગામની સીમમાંથી મળી આવ્યો હતો. ડીવાયએસપી ડો.એ.જે.સિસારા સહિતના અધિકારીઓએ સ્થળની મુલાકાત લેતાં યુવાનની ગળુ દબાવી હત્યા કરવામાં આવી હોવાનું જણાતા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં એલસીબીનો સ્ટાફ પણ જોડાયો હતો. તપાસ દરમિયાન બાતમી મળેલ કે આ ગુનામાં ઝઘડિયા નવી નગરી ખાતે રહેતો આકાશ અશોકવસાવા તથા રાજપારડી નવી નગરી ખાતે રહેતો સંદીપ સુરેશ વસાવા સંડોવાયેલ છે. બંનેને પોલીસ સ્ટેશન લાવી આકરી પૂછપરછ કરવામાં આવતાં તેમણે ગુનાની કબૂલાત કરી હતી. આરોપી આકાશ અશોક વસાવાએ જણાવેલ કે અમારી નવી નગરીમાં રહેતો મારા મિત્ર અનિલ વસાવાને મારી કૌટુંબિક બહેન સાથે પ્રેમ સંબંધ હોય અને તે મારી બહેન સાથે લગ્ન કરવા તૈયાર થતો ન હતો. જેથી તેની હત્યા કરવાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. સંદિપની મદદથી અનિલને ફોન કરીને કુંવરપરા ગામની સીમમાં બોલાવીને માર મારી ગળુ દબાવી હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યા બાદ બંને આરોપીઓ નાસી ગયાં હતાં પણ પોલીસથી બચી શકયાં ન હતાં. આકાશનો અકસ્માતમાં બચાવ થયો હતો ઝઘડિયાના યુવાનની હત્યામાં ધરપકડ કરાયેલાં આરોપી આકાશ વસાવાનો ગત વર્ષે સપ્ટેમ્બર મહીનામાં અકસ્માત થયો હોવાની વિગતો સામે આવી છે. આકાશ અને તેનો મિત્ર કિરણ રાજપારડી ખાતે કપડાની ખરીદી કરવા માટે ગયાં હતાં જયાંથી પરત ફરતી વેળા ટ્રકે ટકકર મારતાં બંને મિત્રો રોડ પર પટકાયાં હતાં. જેમાં કિરણ પર ટ્રકના પૈંડા ફરી વળતાં તેનું મોત થયું હતું.