વિશ્વભરમાં પોલિયોના ફેલાવા માટે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને જવાબદાર દેશો માનવામાં આવ્યા
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ પોલિયોની ચિંતાજનક સ્થિતિને પગલે પાકિસ્તાનની મુસાફરી પર પ્રતિબંધ ત્રણ મહિના સુધી વધારી દીધું છે. આ ઉપરાંત વિશ્વભરમાં પોલિયોના ફેલાવા માટે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને જવાબદાર દેશો માનવામાં આવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, WHOની ઇમરજન્સી કમિટીએ 6 માર્ચે યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ અંગે નિર્ણય લીધું હતું. આ બેઠકમાં પોલિયોથી પ્રભાવિત દેશોના પ્રતિનિધિઓએ વર્ચ્યુઅલી ભાગ લીધો હતો.
WHO ના જણાવ્યા મુજબ, કમિટીએ દુનિયાભરમાં પોલિયોની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. વિશેષ રૂપે પાકિસ્તાનમાં પોલિયોની ચિંતાજનક સ્થિતિ અને તેનું ઉકેલ લાવવા માટે સરકારના પ્રયાસોને લઇને પણ ચર્ચા કરી હતી. WHOની ઇમરજન્સી કમિટીને બેઠક દરમિયાન જાણવા મળ્યું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દુનિયામાં પોલિયો ફેલાવવા માટે મોટા જોખમો છે અને દુનિયાભરમાં પોલિયો ફેલાવવા માટે આ બંને દેશોને જવાબદાર માનવામાં આવ્યા છે.
બેઠક દરમિયાન WHO એ પાકિસ્તાનના પોલિયો વિરોધી અભિયાનની પ્રશંસા કરી, પરંતુ એમ પણ કહ્યું કે, ‘પાકિસ્તાનને પોલિયો મુક્ત દેશ બનવા માટે વધુ મહેનત કરવી પડશે.’ અહેવાલ મુજબ, પાકિસ્તાનના ઘણા શહેરોમાં પોલિયોના ધરખમ કેસ નોંધાયા છે. ખાસ કરીને કરાચી, પેશાવર અને ક્વેટા પોલિયોવાયરસ ટાઇપ-1 ના નવા હોટસ્પોટ બન્યા છે. આ શહેરોને કારણે, મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ ખૈબર પખ્તુનખ્વામાં પણ પોલિયોના કેસ ઝડપથી વધી રહ્યા છે.
નોંધનીય છે કે, વિસ્થાપિત લોકો અને શરણાર્થીઓની અવરજવરને કારણે પણ પોલિયોના કેસ વધી રહ્યા છે. કમિટીએ કહ્યું કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદો પર પણ પોલિયો રસીકરણનું કાર્ય ઝડપથી હાથ ધરવામાં આવવું જોઈએ. પોલિયોના ફેલાવાને રોકવા માટે બંને દેશોએ સંયુક્ત રણનીતિ બનાવવી પડશે. 2025માં અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં પોલિયોના 6 કેસ નોંધાયા છે જ્યારે ગયા વર્ષે 74 કેસ નોંધાયા હતા.