અમેરિકામાં ગેરકાયદે રહેતા ૧૮ હજારથી વધુ ભારતીયોની સામે કાર્યવાહીની તૈયારી શરૂ કરી
વોશિંગ્ટન: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના શપથ બાદ અમેરિકા અને ભારત વચ્ચે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને લઇને ચર્ચા થઇ હતી, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબીઓએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની સાથે ચર્ચા કરી હોવાની માહિતી અમેરિકાએ આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર કાતર ફેરવવા સહિતના અનેક આદેશ આપ્યા તે વચ્ચે આ ચર્ચા થઇ હતી.
અમેરિકાએ પોતાના દેશમાં ગેરકાયદે રહેતા ૧૮ હજારથી વધુ ભારતીયોની સામે કાર્યવાહીની તૈયારી શરૂ કરી દીધી છે. આ તમામ લોકોને ભારત પરત લાવવા માટે અમેરિકા હાલ ભારત સાથે ચર્ચા કરી રહ્યું છે. જેમાં અમેરિકાએ ભારતની પણ મદદ માગી છે. આ સાથે જ અમેરિકાએ બન્ને દેશો વચ્ચેના આર્થિક સંબંધને મજબૂત કરવા માટે પણ ચર્ચા કરી હતી.આ દિશા તરફ ટ્રમ્પ પણ વિચારી રહ્યા હોવાનો દાવો અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં કરવામાં આવ્યો હતો.
એવા અહેવાલો છે કે અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોની ઓળખ કરવા માટે અમેરિકાએ મદદ માગી હતી, ભારત સરકારે આવા ૧૮ હજાર લોકોની ઓળખ કરી છે. જોકે અમેરિકન મીડિયાનો દાવો છે કે આ આંકડો વધુ હોઇ શકે છે. તાજેતરમાં અમેરિકાના વિદેશ મંત્રી અને ભારતના વિદેશ મંત્રી વચ્ચે આ ગેરકાયદે રહેતા ભારતીયોને લઇને ચર્ચા થઇ હતી. આ દરમિયાન ભારતે ભારતીયોને વિઝા આપવામાં સરળતા પર ભાર મુક્યો હતો. અમેરિકાના પ્રમુખની ચૂંટણી સમયે પણ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે રહેતા વિદેશીઓને પ્રચારનો મુદ્દો બનાવ્યો હતો, હવે જ્યારે સત્તા સંભાળી લીધી છે ત્યારે તેઓ તેનો અમલ કરવા લાગ્યા છે.