રશિયાએ યુક્રેનમાં પેસેન્જર ટ્રેન પર કર્યો હુમલો, 30ના મોત
રશિયાએ ઉત્તરીય યુક્રેનિયન પ્રદેશ સુમીમાં હવાઈ હુમલો કર્યો છે. રશિયન હુમલામાં એક પેસેન્જર ટ્રેનને ટાર્ગેટ કરી છે. પ્રાદેશિક ગવર્નર ઓલેહ હ્રીહોરોવે જણાવ્યું હતું કે રશિયન હુમલાઓમાં રેલ્વે સ્ટેશન અને કિવ જતી ટ્રેનને ટાર્ગેટ કરાતાં સખત નુકસાન પહોંચ્યું છે. હુમલામાં 30થી વધુ લોકોના મોત થયા છે. હ્રીહોરોવે સોશિયલ મીડિયા પર સળગતી ટ્રેનની ગાડીનો ફોટો શેર કરતા કહ્યું કે, રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર ઝેલેન્સ્કીએ હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી છે.
યુક્રેને કહ્યું છે કે, રશિયાએ શૉસ્ટકા રેલવે સ્ટેશનથી કીવ જઈ રહેલી ટ્રેન પર ડ્રોનથી હુમલો કર્યો છે, જેમાં ટ્રેનના ફૂરચાં ઊડી ગયા છે. ઝેલેન્સ્કીએ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ પર પોસ્ટ કર્યો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, ટ્રેન આગની લપેટમાં આવી ગઈ છે, મોટાભાગના કોચની બારીઓના કાચ તૂટી ગયા છે, તો કેટલાક કોચ સંપૂર્ણ નાશ પામ્યા છે.
ઝેલેન્સ્કીએ કહ્યું કે, રશિયાએ સૂમી વિસ્તારના શૉસ્ટકા રેલવે સ્ટેશન પર ડ્રોનથી હુમલો કર્યો છે. અત્યાર સુધી મળતા સમાચાર મુજબ હુમલામાં 30 લોકોના મોત થયા છે. અધિકારીઓએ કહ્યું કે, જ્યારે ડ્રોન હુમલો થયો ત્યારે રેલવે સ્ટેશન પર યુક્રેન રેલવેના કર્મચારીઓ અને અનેક મુસાફરો ઉભા હતા.
રશિયા છેલ્લા બે મહિનાથી યુક્રેનના રેલ્વે માળખાને સતત નિશાન બનાવીને એરસ્ટ્રાઈક કરી રહ્યું છે. રશિયા લગભગ દરરોજ યુક્રેનિયન પરિવહન નેટવર્ક પર હુમલો કરી રહ્યું છે. એક દિવસ અગાઉ યુક્રેનની ગેસ અને ઓઈલ કંપનીનાફ્ટોગાઝના ઠેકાણાઓ પર 35 મિસાઇલો અને 60 ડ્રોન છોડ્યા હતા. આ હુમલા ખાર્કિવ અને પોલ્ટાવા પ્રદેશોમાં થયા હતા.
નાફ્ટોગાઝના સીઈઓ સેર્ગેઈ કોરેત્સ્કીના જણાવ્યા અનુસાર, આ અત્યાર સુધીનો સૌથી મોટો બોમ્બ વિસ્ફોટ છે. જેનાથી ગેસ ઉત્પાદન પર ગંભીર અસર પડી છે. આ હુમલાથી આશરે 8,000 ગ્રાહકોનો વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે અમારા ઘણા પ્લાન્ટને ભારે નુકસાન થયું હતું, કેટલાક સ્થળોએ નુકસાન ખૂબ જ ગંભીર હતું. આ હુમલા માટે કોઈ લશ્કરી સમર્થન નથી.
રશિયન સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી હતી કે, રશિયન દળોએ યુક્રેનના ગેસ અને ઊર્જા માળખા પર રાતોરાત મોટા પાયે હુમલાઓ શરૂ કર્યા હતા. રશિયાએ લશ્કરી-ઔદ્યોગિક સ્થળોને નિશાન બનાવ્યા હોવાનો પણ દાવો કર્યો હતો.
યુક્રેનએ પણ તેની બદલાની કાર્યવાહી તીવ્ર બનાવી છે. તાજેતરના મહિનાઓમાં કિવની સેનાએ રશિયાની અંદર ક્રૂડ રિફાઇનરીઓ પર હુમલાઓ વધારી દીધા છે, જેના કારણે ઘણા રશિયન પ્રદેશોમાં ઇંધણની અછત સર્જાઈ છે. ફક્ત સપ્ટેમ્બરમાં જ યુક્રેને રશિયા અને કબજે કરેલા પ્રદેશોમાં 19 ક્રૂડ ઠેકાણાઓ પર ડ્રોન હુમલા કર્યા હતા.