થાઈલેન્ડ-કંબોડિયા યુદ્ધ: ભીષણ સંઘર્ષમાં 32ના મોત, હજારોનું પલાયન

થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે. 24 જુલાઈના રોજ બંને દેશો સરહદ પદ એકબીજાના વિરોધમાં આવી ગયા બાદ સામસામે ભયાનક હુમલાઓ કરી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. બંને દેશોએ સરહદ પર ટેન્કો અને હથિયારો પણ તહેનાત કરીને રાખ્યા છે. બંને તરફી આક્રમક વલણ બાદ કંબોડિયાએ સંયુક્ત રાષ્ટ્રમાં સિઝફાયરની માંગ કરી છે. બીજીતરફ બંને દેશો આસિયાનના સભ્યો હોવાથી મલેશિયાએ યુદ્ધ અટકાવવા માટેના તમામ પ્રયાસ શરૂ કરી દીધા છે.
યુએન સુરક્ષા પરિષદે શુક્રવારે મોડી રાત્રે ઈમરજન્સી બેઠક યોજી હતી, જેમાં કંબોડિયાએ યુદ્ધ અટકાવવાની માંગ કરી છે. કંબોડિયાના સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત ચિયા કેઓએ કહ્યું કે, ‘કંબોડિયાએ કોઈપણ શરત વગર સીઝફાયરની માંગ કરી છે અને અમે ઈચ્છીએ છીએ કે, વિવાદનું શાંતિપૂર્ણ સમાધાન થાય.
બીજીતરફ થાઈલેન્ડે પણ વાતચીત કરવાના સંકેત આપ્યા છે. થાઈલેન્ડના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નિકોર્ન્ડેજ બાલનકુરાએ કહ્યું કે, ‘અમે મલેશિયાની મદદથી વાચતીત કરવા માટે તૈયાર છીએ. જો કંબોડિયા રાજદ્વારી, દ્વિપક્ષી અથવા મલેશિયા દ્વારા વિવાદ ઉકેલવા માંગતા હોય તો અમે તે માટે તૈયાર છીએ. જોકે હજુ કોઈપણ પ્રતિક્રિયા મળી નથી.
જાણો તમામ મહત્ત્વપૂર્ણ અપડેટ્સ
1. કંબોડિયાની સેના ફિલ્ડ આર્ટિલરી, BM-21 રોકેટ સિસ્ટમથી સતત થાઈલેન્ડ પર હુમલા કરી રહ્યું છે. થાઈલેન્ડના આરોગ્ય વિભાગે કહ્યું છે કે સંઘર્ષના કારણે 58 હજાર લોકો પ્રભાવિત થયા છે. જેમાંથી મોટા ભાગના લોકોએ ઘર છોડીને આશ્રયસ્થાનમાં જવું પડ્યું છે.
2. કંબોડિયામાં પણ સરહદ નજીક રહેતા 23 હજારથી વધુ લોકોએ સ્થળાંતર કરવાની નોબત આવી છે.
3. થાઈલેન્ડની સેનાએ સ્થાનિક નાગરિકોને સરહદી વિસ્તારોમાં ન જવા સૂચના આપી છે.
4. થાઈલેન્ડમાં અત્યાર સુધી 19 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે, જેમાંથી મોટા ભાગના સામાન્ય નાગરિક છે. સામે પક્ષે કંબોડિયામાં પણ એક મૃત્યુની પુષ્ટિ થઈ છે, જ્યારે 5 ઈજાગ્રસ્ત છે.
5. કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયનો દાવો છે કે થાઈલેન્ડે F-16 લડાકૂ વિમાન તથા ક્લસ્ટર બોમ્બથી હુમલો કર્યો હતો.
6. કંબોડિયાના PM હુન માનેટની અપીલ બાદ સંયુક્ત રાષ્ટ્ર સિક્યોરીટી કાઉન્સિલની ઈમરજન્સી બેઠક બોલાવાઈ.
7. થાઈલેન્ડે કંબોડિયામાં રહેતા પોતાના તમામ નાગરિકોને સ્વદેશ પરત આવી જવા આદેશ આપ્યા છે. તથા કંબોડિયા સાથેની તમામ બોર્ડર સીલ કરી દેવાઈ છે.





