AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં ભગવો લહેરાયો પણ કોંગ્રેસનું પંજા મજબૂત બન્યો:પરિણામે રાજકીય માહોલમાં મોટો ફેરફાર

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકોનાં રસાકસીભર્યા પરિણામો જાહેર થતા જ ભાજપા અને કોંગ્રેસ બંને પક્ષના કાર્યકરોમાં ક્યાંક ખુશી તો ક્યાંક નિરાશાનો માહોલ સર્જાયો છે.ગત પાંચ વર્ષ પૂર્વે યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 18 બેઠકોમાંથી 17 બેઠકો ભાજપાને અને માત્ર 1 બેઠક કોંગ્રેસને મળતા કોંગ્રેસ સંપૂર્ણપણે હતાશામાં ધકેલાઈ ગઈ હતી.પરંતુ હાલમાં જ પૂર્વ ધારાસભ્ય મંગળભાઈ ગાવીતની કૉંગ્રેસમાં ઘરવાપસી બાદ વર્ષ 2026માં કોંગ્રેસે ફરી સજીવનતા પ્રાપ્ત કરી છે.આજરોજ જાહેર થયેલા જિલ્લા પંચાયતનાં પરિણામ મુજબ કુલ 18 બેઠકોમાંથી  ભાજપાએ 12 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે 6 બેઠકો જીતીને નોંધપાત્ર વાપસી કરી છે.આ પરિણામોથી ડાંગ જિલ્લામાં રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.ખાસ કરીને,ડાંગ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી સફળતાને કારણે ભાજપાની અંદરનો આંતરિક કલહ સપાટી પર આવ્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા લાગુ કરાયેલી 60 વર્ષની વય મર્યાદા અને 3 ટર્મની નીતિ ડાંગ જિલ્લામાં વેધક સાબિત થઈ છે. આ નીતિને કારણે ઘણા અનુભવી નેતાઓને ટિકિટ ન મળતા અસંતોષ ઉભો થયો હતો, જે કોંગ્રેસ માટે લાભદાયી બની રહ્યો છે.આ રીતે, ભાજપા ડાંગ જિલ્લા પંચાયતમાં બહુમતી જાળવી રાખવામાં સફળ રહી હોવા છતાં કોંગ્રેસની મજબૂત વાપસીએ ભવિષ્યના રાજકીય સંકેતો સ્પષ્ટ કરી દીધા છે.ડાંગ જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો તો લહેરાયો પરંતુ બીજી તરફ પુરી તાકાત સાથે કૉંગ્રેસ પાર્ટી સજીવન થઈ જતા પરીણામ રસપ્રદ જોવા મળી રહ્યા છે..બોક્ષ:-(1)ડાંગ જિલ્લા પંચાયતની આહવા-1 બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર સ્નેહલ ઠાકરેનો દબદબો,આહવા- 1 જિલ્લા સીટ પર ભાજપાનાં ગઢમાં ગાબડું પાડી કૉંગ્રેસનાં ઉમેદવાર સ્નેહલ ઠાકરેની ભવ્ય જીત.ડાંગ જિલ્લા પંચાયતની સૌથી મહત્વની ગણાતી આહવા-1 બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરેનો ભવ્ય વિજય થયો છે. તેમણે ભાજપના ઉમેદવાર નરેશભાઈ ગવળીને જંગી મતોની સરસાઈથી હરાવીને પોતાની બેઠક કબજે કરી છે.ડાંગ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ તરીકેની તેમની સક્રિયતા અને લોકચાહના આ જીતમાં મહત્વનું પરિબળ સાબિત થઈ છે.અત્રે નોંધનીય છે કે આહવા જિલ્લા બેઠક-1માં ભાજપાની કારમી હારનાં મુખ્ય કારણ એ જાણવા મળે છે કે ભાજપા સંગઠનમાં વિવિધ હોદાઓ પર બિન આદિવાસીઓ(મરાઠા)ઓને હોદા આપતા આ બેઠક પર ભાજપાની કારમી હાર થઈ હોવાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.  બોક્ષ-(2) ડાંગ જિલ્લાની સુબિર જિલ્લા પંચાયત બેઠક પર ‘ કૉંગ્રેસનાં સાસુ- ભાજપનાં વહુ’નાં જંગમાં સાસુની જીત, કોંગ્રેસનો પંજો ભારે પડ્યો.ડાંગ જિલ્લાની સુબિર જિલ્લા પંચાયત બેઠક આ વખતે આકર્ષણનું કેન્દ્ર બની હતી.આ બેઠક પરના પરિણામો જાહેર થતા જ ‘સાસુ-વહુ’ ના પારિવારિક અને રાજકીય જંગનો અંત આવ્યો છે, જેમાં કૉંગ્રેસનાં સાસુએ બાજી મારી છે.કોંગ્રેસ પક્ષ તરફથી જ્યનુબેન બાબુભાઈ બાગુલ (સાસુ) ચૂંટણી લડી રહ્યા હતા, જ્યારે તેમની સામે ભારતીય જનતા પાર્ટીએ તેમની જ વહુ પ્રિયંકાબેન રાજુભાઈ કુંવરને ટિકિટ આપી હતી.આજરોજ જાહેર થયેલા પરિણામો મુજબ, કોંગ્રેસના ઉમેદવાર જ્યનુબેન બાબુભાઈ બાગુલ વિજયી જાહેર થયા છે..બોક્ષ-(3)ડાંગ જિલ્લા પંચાયતની  હાઈપ્રોફાઈલ ગણાતી આહવા-2 બેઠક પર કૉંગ્રેસનાં મામા અને ભાજપાનાં ભાણેજ વહુનાં પારિવારિક જંગનો અંત.ભાજપાનાં ભાણેજ વહુ શ્રદ્ધાબેન ખરેની ભવ્ય જીત.ડાંગ જિલ્લાની આહવા-2 જિલ્લા સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના આ રસાકસીભર્યા જંગમાં અંતે ભાજપના ઉમેદવાર શ્રદ્ધાબેન તુષારભાઈ ખરે (ભાણેજ વહુ) એ વિજય મેળવ્યો છે.આ બેઠક પર ભાજપના શ્રદ્ધાબેન ખરે અને તેમના સગા મામા દિપકભાઈ પીંપળે (કોંગ્રેસ) સામસામે હતા. રાજકીય વિચારધારા અને પારિવારિક સંબંધોની આ લડાઈમાં મતદારોએ ભાજપના ઉમેદવાર શ્રદ્ધાબેન પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.મામા અને ભાણેજનાં પરિવાર વચ્ચેની આ સીધી ટક્કરને કારણે આ બેઠક સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની હતી, જેમાં અંતે ભાણેજની પત્નીએ બાજી મારી છે.બોક્ષ:-(4)ડાંગ જિલ્લા પંચાયતની દગડીઆંબા સીટમાં ભાજપના ગઢમાં  મોટુ ગાબડું.અહી સૌથી મોટો ઉલટફેર દગડીઆંબા (સીટ નં. 4) પર જોવા મળ્યો છે.વર્ષોથી ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર કોંગ્રેસના યુવા સરપંચ નિતેશભાઈ ચૌધરીએ વિજય પતાકા લહેરાવી છે.અહીં ભાજપના કદાવર નેતા સુભાષભાઈ ગાઈન અને પૂર્વ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈનની ભાભી સરલાબેન ગાઈનની કારમી હાર થઈ છે.કોંગ્રેસે આ બેઠક જીતીને ભાજપના મજબૂત ગઢમાં ગાબડુ પાડવામાં સફળતા મેળવી છે. બોક્ષ-(5) ડાંગ જિલ્લાની સુબિર તાલુકાની કડમાળ જિલ્લા બેઠક પર ભાજપનાં કદાવર નેતા રાજેશભાઈ ગામીત વિજેતા બન્યા. સુબિર તાલુકાની કડમાળ-10 જિલ્લા બેઠક પર ભાજપે પોતાની પકડ જાળવી રાખી છે. ભાજપના સંગઠન મહામંત્રી તરીકે સેવા આપી ચૂકેલા અનુભવી નેતા રાજેશભાઈ ગામીતે આ બેઠક પર વિજય મેળવ્યો છે. તેમણે કોંગ્રેસના યુવા નેતા કરીમભાઈ ખાસ્યાને પરાજય આપી ભાજપનો ભગવો લહેરાવ્યો છે.બોક્ષ-(6)ડાંગ જિલ્લાનાં સાકરપાતળ જિલ્લા બેઠક પર મંગળ ગાવીતની ભવ્ય જીત; ભાજપ માટે ‘અમંગળનાં’ સંકેત..!ડાંગ જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર મોટા ફેરફારો જોવા મળ્યા છે. સાકરપાતળ જિલ્લા પંચાયત સીટ પર યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મંગળભાઈ ગાવીતની ભવ્ય જીત થઈ છે.જ્યારે ભાજપાનાં મંગલેશભાઈ ભોયેની કારમી હાર થઈ છે.થોડા સમય પહેલા પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતે ફરી કેસરીયો છોડી ‘પંજા’નો હાથ પકડતાની સાથે જ જિલ્લા અને તાલુકા પંચાયતના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે.મંગળ ગાવીત જેવા કદાવર નેતાની જીતથી ડાંગ જિલ્લામાં લાંબા સમયથી નિષ્ક્રિય જેવી જણાતી કોંગ્રેસ ફરી સજીવન થઈ છે. આ જીત સાથે જ ડાંગના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાના સમીકરણો કઈ તરફ વળશે તે જોવું રસપ્રદ રહેશે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!