INTERNATIONAL

બોમ્બ સાયક્લોનને અમેરિકાના અનેક રાજ્યમાં જનજીવન ઠપ કરી દીધું, 7 રાજ્યમાં ઇમરજન્સી જાહેર

અમેરિકાના ઉત્તર-પૂર્વમાં આવેલા ભીષણ હિમ તોફાન એટલે કે બોમ્બ સાયક્લોનને અમેરિકાના અનેક રાજ્યમાં જનજીવન ઠપ કરી દીધું છે. ચોતરફ બરફની સફેદ ચાદર પથરાઈ જતાં ન્યૂયોર્ક સહિત 7 રાજ્યમાં ‘સ્ટેટ ઓફ ઇમરજન્સી’ (કટોકટી) જાહેર કરાઈ છે, જેમાં ન્યૂ જર્સી, કનેક્ટિકટ, મેસેચ્યુસેટ્સ, ડેલવેર, રોડ આઇલેન્ડ અને મેરીલેન્ડ પણ સામેલ છે. આ તમામ રાજ્યોમાં વહીવટી તંત્રે મુસાફરી પર પ્રતિબંધ મૂકાયો છે અને નાગરિકોને ઘરમાં જ રહેવાની કડક સૂચના આપી છે.

આ હિમ તોફાનના અનેક દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ખાસ કરીને વિશ્વપ્રસિદ્ધ ટાઈમ્સ સ્ક્વેર અત્યારે સ્લેજિંગ ગ્રાઉન્ડમાં ફેરવાઈ ગયું છે, જ્યાં બાળકો બરફમાં રમી રહ્યા છે. તો સેન્ટ્રલ પાર્ક સંપૂર્ણપણે બરફથી ઢંકાઈ ગયો છે. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી અંદાજે સરેરાશ 30 ઈંચ જેટલો બરફ ખાબક્યો છે અને હજુ પણ હિમવર્ષા ચાલુ છે. વહીવટી તંત્ર સતત રસ્તાઓ પરથી બરફ હટાવવાની કામગીરી કરી રહ્યું છે, પરંતુ સતત પડતી હિમવર્ષા પડકારરૂપ બની રહી છે.

આ ભીષણ તોફાનને પગલે ન્યૂયોર્ક જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર-પૂર્વ અમેરિકાને બાનમાં લીધું છે. સરકારે અનિશ્ચિતકાળ સુધી સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો આદેશ કર્યો છે, જેથી લાખો વિદ્યાર્થીઓએ ઘરેથી જ અભ્યાસ શરૂ કર્યો છે. બીજી તરફ, અત્યંત ખરાબ વાતાવરણના કારણે સેંકડો ફ્લાઈટ્સ રદ કરાઈ છે, જેથી હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા છે. ભારે પવન અને બરફના કારણે આશરે પાંચ લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેમાં સૌથી વધુ અસર મેસેચ્યુસેટ્સમાં જોવા મળી હતી.

આ ભીષણ હવામાનને કારણે શનિવારથી મંગળવાર વચ્ચે 10,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરાઈ છે. 23 ફેબ્રુઆરીએ જ 5,000થી વધુ અને 24 ફેબ્રુઆરીએ 1,300થી વધુ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવતા લાખો મુસાફરો અટવાયા છે. ન્યૂયોર્કનું JFK, લાગુઆર્ડિયા અને બોસ્ટનનું લોગાન ઍરપોર્ટ સૌથી વધુ પ્રભાવિત છે.

Back to top button
error: Content is protected !!