INTERNATIONAL

ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનોના દબાણ સામે આખરે સરકારે ઘૂંટણ ટેકવી દીધા

બલ્ગેરિયામાં છેલ્લાં ઘણાં મહિનાઓથી ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનોના દબાણ સામે આખરે સરકારે ઘૂંટણ ટેકવી દીધા છે. ભ્રષ્ટાચાર અને ખામીયુક્ત આર્થિક નીતિઓ વિરુદ્ધ થયેલા આ વ્યાપક વિરોધ બાદ બલ્ગેરિયાના વડાપ્રધાન રોસેન જેલ્યાઝકોવ અને તેમની કેબિનેટે ગુરુવારે રાજીનામું આપી દીધું. સંસદમાં સરકાર વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવ (No Confidence Motion) પર મતદાન થાય તેની થોડી ક્ષણો પહેલા જ આ પગલું ભરાયું હતું. નોંધનીય છે કે, આ પહેલા નેપાળ (સપ્ટેમ્બર 2025), તિમોર લેસ્ટે (સપ્ટેમ્બર 2025), માડાગાસ્કર (ઓક્ટોબર 2025), સર્બિયા (જાન્યુઆરી 2025), બાંગ્લાદેશ (ઓગસ્ટ 2024) અને કેન્યા (જુલાઈ 2024)માં દેશવ્યાપી વિરોધને પગલે સરકારો ઘરભેગી થઈ ચૂકી છે.

બલ્ગેરિયાની સરકાર પર ખરાબ આર્થિક નીતિઓ અને ભ્રષ્ટાચારને નિયંત્રિત કરવામાં સતત નિષ્ફળતાના આરોપો હતા. આ કારણોસર જનતામાં ભારે આક્રોશ હતો. પરિણામે ઘણાં સમયથી મોટા પાયે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા હતા. હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેનાથી દેશનું વાતાવરણ સત્તા પરિવર્તન તરફ જઈ રહ્યું હતું. આ ગંભીર સ્થિતિને જોતાં સરકારે સમજદારી દાખવીને રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો.

રાજીનામું આપતી વખતે વડાપ્રધાન જેલ્યાઝકોવે કહ્યું હતું કે, ‘અમે સરકાર વિરુદ્ધ વિરોધ કરી રહેલા નાગરિકોની વાત સાંભળી રહ્યા છીએ. યુવાનો હોય કે વૃદ્ધો, દરેકે અમારા રાજીનામા માટે અવાજ ઉઠાવ્યો છે અને નાગરિકોની આ શક્તિને સમર્થન અને પ્રોત્સાહન મળવું જોઈએ.’

નોંધનીય છે કે, હવે બંધારણીય રીતે મર્યાદિત સત્તા ધરાવતા રાષ્ટ્રપતિ રાદેવ વિવિધ રાજકીય પક્ષોને નવી સરકાર બનાવવાનો પ્રયાસ કરવાનું કહેશે. જો તેઓ નિષ્ફળ જશે, તો દેશમાં ચૂંટણી ન થાય ત્યાં સુધી ચલાવવા માટે એક વચગાળાની સરકારની નિયુક્તિ કરાશે.

આ દરમિયાન બલ્ગેરિયા 1 જાન્યુઆરી, 2026ના રોજ યુરો ઝોનમાં સામેલ થવા જઈ રહ્યું હતું. આટલા મહત્ત્વના આર્થિક ફેરફાર પહેલાં જ જનતાનો ગુસ્સો અને સરકારના રાજીનામાથી આ રાજકીય ભૂકંપ સર્જાયો હતો. આ વિરોધને પગલે જ સરકારે ગયા સપ્તાહે વર્ષ 2026ની યુરો બજેટ યોજના પાછી ખેંચી લીધી હતી.

Back to top button
error: Content is protected !!