ઈઝરાયેલ-ઈરાન યુદ્ધના લીધે તેલ અને ગેસના બજારમાં હાહાકાર મચી ગયો

અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા 28 ફેબ્રુઆરીએ ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ ઈરાને વળતો પ્રહાર કરી રહ્યું છે. મંગળવારે આ યુદ્ધનો 11મો દિવસ હતો. ઈરાન એવા દેશોને નિશાન બનાવી રહ્યું છે જ્યાં અમેરિકી સૈન્ય મથકો આવેલા છે, જેના કારણે આ યુદ્ધ એક બે નહીં પણ 14 દેશોમાં ફેલાઈ ગયું છે. આ યુદ્ધના લીધે તેલ અને ગેસના બજારમાં હાહાકાર મચી ગયો છે. જે કારણે યુદ્ધમાં સીધી રીતે માત્ર 14 દેશો સામેલ છે, પરંતુ તેની ઘાતક અસર વિશ્વના મોટાભાગ દેશો પર પણ જોવા મળી રહી છે.
આ યુદ્ધની સૌથી મોટી અસર ક્રૂડ(કાચું તેલ)ના બજાર પર પડી છે. સોમવારે કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 120 ડોલરની આસપાસ પહોંચી ગઈ હતી. જોકે, અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધ અંગેની ભવિષ્યવાણી બાદ તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમ છતાં, તેલના ભાવ ગત મહિનાની સરખામણીએ ઊંચા રહ્યા છે. યુદ્ધને કારણે ગેસ પુરવઠો પણ ખોરવાયો છે. ટ્રમ્પે કહ્યું છે કે આ યુદ્ધ જલ્દી પૂરું થશે, પરંતુ આ અઠવાડિયે નહીં. જેનો અર્થ છે કે આ અઠવાડિયા સુધી યુદ્ધ ચાલુ રહેશે.
યુદ્ધ શરૂ થયા બાદ ઈરાન એ દેશો પર હુમલા કરી રહ્યું છે જ્યાં અમેરિકી સૈન્ય ઠેકાણા છે. આ યુદ્ધમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા ઉપરાંત સાયપ્રસ, લેબનોન, ઈરાક, કુવૈત, જોર્ડન, બહેરીન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), સીરિયા, કતાર અને ઓમાનનો પણ સમાવેશ થાય છે. ઈરાને આ દેશોમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. બીજી તરફ, અમેરિકા અને ઈઝરાયેલ એવા દેશો પર હુમલા કરી રહ્યા છે જ્યાં ઈરાનના સહયોગી સંગઠનો સક્રિય છે.
આ યુદ્ધ હવે પશ્ચિમ એશિયાની બહાર પણ નીકળી ગયું છે. અઝરબૈજાને ઈરાન પર ડ્રોન હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે નાકિચિવા વિસ્તારમાં થયેલા ડ્રોન હુમલામાં તેના બે નાગરિકો ઘાયલ થયા છે, જો કે ઈરાન આવા કોઈ પણ હુમલાનો ઈનકાર કરી રહ્યું છે. બીજી તરફ, અમેરિકાએ 4 માર્ચે એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે તેની એક સબમરીને હિંદ મહાસાગરમાં ‘દેના’ નામના ઈરાની યુદ્ધજહાજ પર ટોર્પિડોથી હુમલો કરીને તેને ડુબાડી દીધું હતું. આ હુમલો શ્રીલંકાના ગાલે શહેર પાસે સવારે પાંચ વાગ્યાની આસપાસ થયો હતો, જેમાં 80થી વધુ નૌસૈનિકોના મોત થયા હતા. શ્રીલંકાએ બચાવ કામગીરી હાથ ધરી ઈરાનના અનેક નૌસૈનિકોને બચાવ્યા હતા, જેમની સારવાર શ્રીલંકામાં ચાલી રહી છે. આ સિવાય સાયપ્રસના એક ટાપુ પર આવેલા બ્રિટિશ એરબેઝને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. અધિકારીઓનું માનવું છે કે આ હુમલો લેબનોનમાં સ્થિત હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવ્યો હતો.
આ યુદ્ધમાં અત્યાર સુધી મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. ઈઝરાયલ અને અમેરિકાના હુમલામાં ઈરાનમાં 9 માર્ચ સુધીમાં 1255 લોકોના મોત થયા છે. તેવી જ રીતે, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં અમેરિકાના 8 સૈનિકોના મોત થયા છે, જ્યારે ઈઝરાયલમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય લેબનોનમાં 394, ઈરાકમાં 6, જોર્ડનમાં 14, કુવૈતમાં 6, બહેરીનમાં 1, કતારમાં 16, યુએઈમાં 4, સાઉદી અરેબિયામાં 2 અને ઓમાનમાં 1 વ્યક્તિનું મોત થયું છે.




