મણિપુરમાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના એક જવાન શહીદ

કુકી આતંકવાદીઓએ રવિવારે મણિપુરના જીરીબામમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પર હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફનના એક જવાન શહીદ થયાં હતા તથા 3 પોલીસકર્મી ઘાયલ થયાં હતા. પોલીસે શહીદ સૈનિકની ઓળખ અજય કુમાર ઝા તરીકે કરી છે. તમામ ઘાયલ જવાનોને જીરીબામ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. સેજાંગ કુકી ગામમાંથી ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ રવિવારે સવારે મોટો હુમલો કર્યો હતો. તેઓએ ત્રણ કલાકથી વધુ સમય સુધી મીતેઈ ગામ અને સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવ્યા.
પોલીસે જણાવ્યું કે સીઆરપીએફના જવાન જ્યારે વાહન ચલાવી રહ્યા હતા ત્યારે તેમના માથા પર ગોળી વાગી હતી. જીરીબામના એક રહેવાસીએ કહ્યું, ‘જે ચોકસાઈથી હુમલા કરવામાં આવ્યા તે દર્શાવે છે કે આતંકવાદીઓ અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ કરી રહ્યા હતા.’ આ જ વિસ્તારમાંથી 5મી વખત હુમલો કરવામાં આવ્યો હતો અને કુકી મહિલાઓ દ્વારા વિસ્તારની શોધખોળના પ્રયાસો અટકાવવામાં આવ્યા હતા. જો કે, સંયુક્ત ટીમે CRPF અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કરનારા આતંકવાદીઓની શોધ શરૂ કરી છે.
આતંકીઓના કબજામાંથી ઘણા હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ ધરપકડો ગયા બુધવારે નામ્બુલ મેપલ વિસ્તારમાંથી થઈ હતી. આ આરામબાઈ ટંગોલ સભ્યોની ઓળખ કંગબમ લેનિન સિંહ અને તોઈજમ શાંતિ કિશોર તરીકે થઈ છે. સિંહ અને કિશોરના કબજામાંથી એક મેગેઝિન અને 16 કારતુસ સાથેની એક ઇન્સાસ રાઇફલ, એક મેગેઝિન સાથેની .38 કેલિબરની પિસ્તોલ અને ત્રણ કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે.



