INTERNATIONAL

ઈઝરાયલી સેનાએ દક્ષિણ લેબેનૉનના યોહમોર ગામના રહેણાંક વિસ્તારોમાં અત્યંત જોખમી અને ‘ગેરકાનૂની’ ગણાતા વ્હાઇટ ફૉસ્ફરસના ગોળા ફેંક્યા !!!

લેબેનૉન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે એક નવો વળાંક આવ્યો છે. માનવાધિકાર સંગઠન હ્યુમન રાઇટ્સ વોચે(HRW) ગંભીર આરોપ લગાવ્યો છે કે ઈઝરાયલી સેનાએ દક્ષિણ લેબેનૉનના યોહમોર ગામના રહેણાંક વિસ્તારોમાં અત્યંત જોખમી અને ‘ગેરકાનૂની’ ગણાતા વ્હાઇટ ફૉસ્ફરસના ગોળા ફેંક્યા છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે ઈઝરાયલી દળોએ સ્થાનિક લોકોને ગામ ખાલી કરવાની ચેતવણી આપી હતી. જોકે, હ્યુમન રાઇટ્સ વોચે સાત જેટલી તસવીરોને તપાસીને પુષ્ટિ કરી છે કે વસ્તીવાળા વિસ્તારોમાં આ વિવાદાસ્પદ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ પ્રતિબંધિત માનવામાં આવે છે.

વ્હાઇટ ફૉસ્ફરસ એ એક એવો ભયાનક રાસાયણિક પદાર્થ છે જે હવામાં ઓક્સિજનના સંપર્કમાં આવતાની સાથે જ આપમેળે સળગવા લાગે છે. તે આશરે 815 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન પેદા કરે છે, જે માનવ શરીરની સહનશક્તિ કરતાં અનેકગણું વધારે છે. આ કેમિકલ જ્યારે ત્વચા પર પડે છે ત્યારે તે ઊંડા ઘા કરી દે છે અને માંસની સાથે હાડકાંને પણ ઓગાળી નાખવાની ક્ષમતા ધરાવે છે. તેના ધુમાડાથી ફેફસાંને ગંભીર નુકસાન થાય છે અને અંગો ફેઇલ થઈ જવાથી વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. જોકે, ઈઝરાયલ અગાઉ એવો બચાવ કરતું આવ્યું છે કે તે આનો ઉપયોગ માત્ર સ્મોક સ્ક્રીન(ધુમાડાની આડશ) બનાવવા માટે કરે છે, નહીં કે નાગરિકોને નિશાન બનાવવા માટે.

લેબેનૉનમાં સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. લેબેનૉન સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ, 2 માર્ચ. 2026થી 8 માર્ચ 2026 દરમિયાન થયેલી ઈઝરાયલની એરસ્ટ્રાઇકમાં અત્યાર સુધીમાં 400 લોકોના મોત થયા છે, જેમાં 83 બાળકો અને 42 મહિલાઓનો સમાવેશ થાય છે. આ હુમલામાં 1130થી વધુ લોકો ઘાયલ થયા છે. ખાસ કરીને દક્ષિણ લેબેનૉન, પૂર્વી બેકા ઘાટી અને બેરુતના ઉપનગરોમાં આવેલા રહેણાંક વિસ્તારોમાં બોમ્બમારો થવાથી નાગરિકોની જાનહાનિમાં મોટો વધારો થયો છે. લેબેનૉનના સ્વાસ્થ્ય મંત્રીએ આ સમગ્ર પરિસ્થિતિને મોટું ‘માનવીય સંકટ’ ગણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!