મ્યાનમારમાં 24 જ કલાકમાં 15 વખત ધરા ધ્રુજી, ફરી 5.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, હજારો ના મૃત્યુની આશંકા

મ્યાનમારમાં 28 માર્ચે 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ વારંવાર આફ્ટરશોક આવી રહ્યા છે. 24 જ કલાકમાં મ્યાનમારમાં 15 વખત ધરા ધ્રુજી, જોકે આજે ફરી શક્તિશાળી ભૂકંપના આંચકા આવ્યા છે. આજે આવેલા તીવ્રતા 5.1 નોંધાઈ. લોકો જીવ બચાવવા માટે ફરી ઘર છોડીને બહાર આવી ગયા હતા.
ભૂકંપ બાદ મ્યાનમાર અને થાઈલેન્ડમાં ઠેર ઠેર તારાજી જોવા મળી રહી છે. સત્તાવાર આંકડા અનુસાર એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે બે હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. અમેરિકાની જિયોલોજીકલ સર્વે એજન્સી USGSનો તો દાવો છે કે મ્યાનમારમાં જ ભૂકંપના કારણે 10 હજારથી વધુ લોકોના મૃત્યુની આશંકા છે. જોકે હજુ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને ગુમ થયેલા લોકોને શોધવામાં આવી રહ્યા છે.
મ્યાનમારમાં શુક્રવારે સવારે 11:50 વાગ્યે આવેલા આ ભૂકંપની અસર માત્ર 8 સેકન્ડ સુધી રહી, પરંતુ તેના પરિણામો ભયાવહ રહ્યા. અત્યાર સુધીમાં 1 હજારથી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 2,370થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હજારો લોકો હજુ પણ લાપતા છે, જેના કારણે મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા વધી રહી છે. યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS)એ આશંકા વ્યક્ત કરી છે કે મ્યાનમારમાં મૃત્યુઆંક 10 હજારને પાર કરી શકે છે. બીજી તરફ, મ્યાનમારની લશ્કરી સરકારે હાલમાં 1 હજારથી વધુ મોત અને 2,300થી વધુ ઘાયલોની પુષ્ટિ કરી છે. આ ઘટનાએ મ્યાનમારના 6 રાજ્યોમાં ભારે હાહાકાર મચાવ્યો છે, જેના કારણે ત્યાં કટોકટી જાહેર કરવામાં આવી છે. થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ આ ભૂકંપની અસર જોવા મળી. એક 30 માળની ઇમારત ધરાશાયી થઈ જવાને કારણે ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. થાઈલેન્ડમાં ભૂકંપની તીવ્રતા 7.2 હોવાનું અનુમાન છે, અને આખા દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. આ ભૂકંપે બંને દેશોના લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે, અને બચાવ કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે.
ભૂકંપ બાદથી જ મ્યાનમારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે જાનમાલના નુકસાનની જાણકારી દુનિયા સામે નથી આવી રહી. મ્યાનમારમાં સેનાએ ઈમરજન્સીની જાહેરાત કરી છે તથા દુનિયાના દેશોને મદદ કરવા માટે અપીલ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારની સેનાના જનરલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે તથા સંભવ તમામ મદદ માટે આશ્વાસન આપ્યું છે. ભારતીય વાયુસેના ગઇકાલ રાત્રિથી જ મ્યાનમારમાં રાહત સામગ્ર પહોંચાડી રહી છે. ભારતે મ્યાનમારની મદદ માટે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે કે હેઠળ આવશ્ય દવાઓ, સોલર કેમ્પ, જનરેટર, સ્લીપિંગ બેગ અને ટેન્ટ જેવા સામાન મોકલવામાં આવી રહ્યા છે.





