વિશ્વ પરમાણુ યુદ્ધ તરફ ધકેલાઇ રહ્યું છે, દસ વર્ષમાં ભીષણ હુમલા થશે : મસ્ક

વોશિંગ્ટન : ટેસ્લાના માલિક અને વિશ્વના સૌથી ધનીક વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા ઇલોન મસ્કે દાવો કર્યો હતો કે ટૂંક સમયમાં વિશ્વ યુદ્ધમાં ધકેલાઇ શકે છે, એટલુ જ નહીં આગામી પાચથી ૧૦ વર્ષમાં પરમાણુ હુમલા પણ જોવા મળશે. મસ્કે દાવો કર્યો હતો કે દુનિયા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઇ રહી છે. પાંચથી ૧૦ વર્ષમાં પરમાણુ યુદ્ધ પણ શક્ય છે.
સોશિયલ મીડિયા એક્સ પર એક યૂઝરે લખ્યું હતું કે પરમાણુ હથિયારો હોવાને કારણે તાકતવર દેશો વચ્ચે સીધુ યુદ્ધ હવે અશક્ય જેવુ બની ગયું છે. એટલે કે અમેરિકા કે રશિયા, ચીન જેવા દેશો વચ્ચે સીધા હુમલા નહીં થાય. જોકે આ યુઝરને ઇલોન મસ્કે વળતો જવાબ આપ્યો હતો જે ચોંકાવનારો હતો.
મસ્કે ટુંકો જવાબ આપતા કહ્યું હતું કે યુદ્ધ જો થશે જ, લગભગ પાંચ વર્ષમાં જ યુદ્ધ શક્ય છે. વધુમાં વધુ ૧૦ વર્ષનો સમય લાગશે પરંતુ પરમાણુ યુદ્ધ થશે. જોકે ક્યા દેશ વચ્ચે યુદ્ધ થશે તે અંગે મસ્કે કોઇ સ્પષ્ટતા નહોતી કરી. મસ્કના માત્ર એક વાક્યવાળા આ જવાબે લોકોને વિચારતા કરી દીધા છે. હાલ ઇલોન મસ્કના આ સોશિયલ મીડિયા પર અપાયેલા જવાબનો સ્ક્રીનશોટ વાયરલ થઇ રહ્યો છે. લોકો મસ્કના આ દાવા પર શંકા સાથે આશ્ચર્ય પણ વ્યક્ત કરી રહ્યા છે. ઇલોન મસ્ક તાજેતરમાં એવા દાવા કરી રહ્યા છે જેની કોઇએ કલ્પના પણ ના કરી હોય. થોડા દિવસ પહેલા જ મસ્કે કહ્યું હતું કે લોકો માટે નોકરી કરવી ફરજિયાત નહીં પણ વૈકલ્પિક બની જશે. આ બધુ એઆઇને કારણે થશે, જે રીતે કોઇ વ્યક્તિ પોતાની જરૂરિયાત કે ઇચ્છા મુજબ પોતાની મનપસંદ શાકભાજી ઉગાડી શકશે તેવી જ રીતે ભવિષ્યમાં કામ કરવું એક શોખ કે પસંદનો વિષય બનીને રહી જશે.



