પશુપાલકોમાં આનંદો : બનાસ ડેરીએ રૂપિયા 1973 કરોડનો આપ્યો ભાવફેર
સણાદર ખાતે યોજાયેલી આ વાર્ષિક સાધારણ સભામાં વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમન શંકરભાઈ ચૌધરીએ રૂપિયા 1973 કરોડનો ભાવફેર આપતાં જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે.
(માહિતી બ્યુરો,પાલનપુર)
જિલ્લાની જીવાદોરી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે 56મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. સણાદર ખાતે યોજાયેલી આ વાર્ષિક સાધારણ સભામાં વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમન શંકરભાઈ ચૌધરીએ રૂપિયા 1973 કરોડનો ભાવફેર આપતાં જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે. દૂધની સાથે સૌપ્રથમવાર બનાસ ડેરીએ ડેરીમાં બટાકા આપતાં ખેડૂતોને 10 ટકાનો ભાવફેર આપ્યો છે . ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગત વર્ષ કરતા વધુ ભાવફેર આપતાં જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ હતી.
આજની સાધારણ સભામાં પશુપાલકોએ સર્વાનુમતે ડેરીના તમામ ઠરાવોને માન્ય રાખ્યા હતા. બનાસ ડેરીએ છેલ્લા 10 વર્ષમાં કરેલી પ્રગતિની સંપૂર્ણ માહિતી બનાસ ડેરીના મેનેજીંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ પશુપાલકોને આપી હતી. દૂધના વ્યવસાયમાં વૈશ્વિક મંદી હોવા છતાં આજે બનાસ ડેરી સતત પ્રગતિ કરી રહી છે. બનાસ ડેરીનું નિયામક મંડળ સતત પશુપાલકોના ઉત્થાન માટે કામ કરી રહ્યું છે. જેનાથી આજે બનાસ ડેરીએ વિશ્વમાં નામના મેળવી છે. આજે સાધારણ સભામાં જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મહિલા પશુપાલકોને સન્માનિત કરાયા હતા.
વાર્ષિક સાધારણ સભાને સંબોધન કરતાં ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાણીની તંગી વચ્ચે બનાસકાંઠાએ પ્રગતિ કરી છે. ઓછા શિક્ષણ વચ્ચે આપણાં જિલ્લાની બહેનો દૂધના વ્યવસાય થકી કરોડપતિ બની છે. જે વૈશ્વિક સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બન્યો છે. પરંતુ આપણી આ પ્રગતિ સાથે આપણે સતત કાર્યશીલ રહેવું પડશે. વૃક્ષારોપણ અને જળ સંચય સમયની માંગ છે. ખેતરના શેઢા પર ચંદનના વૃક્ષોનું વાવેતર કરી કરોડપતિ થઇ શકાય છે. સારી બ્રીડના પશુઓથી દૂધમાં વધારો થાય તે માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ પધ્ધતિ વિકસાવી છે. જે આગામી સમયમાં પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે આજે રતનપુરા ખાતે ભારતની સૌથી મોટી બ્રીડ લેબ તૈયાર થવા જઈ રહી છે. જેનાથી વધુ દૂધ આપતા દુધાળા પશુઓનું સંવર્ધન થશે. સારા બ્રીડની ગાય તૈયાર થશે. રાધનપુર ખાતે ગૌમૂત્ર પ્રોસેસિંગ પ્લાન્ટની શરૂઆત કરી છે. આણંદ યુનિવર્સીટી સાથે મળી પ્રવાહી બાયોફર્ટીલાઇઝર બનાવવાનું શરૂ કર્યું છે. જે આપણાં જમીનની જૈવિકતા ફરી જીવંત કરશે. ટેક્નોલોજી અને વિજ્ઞાન સાથે કામ કરવાથી બનાસનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.
ચેરમનશ્રીએ બનાસકાંઠાના યુવાનોને સહકારી ક્ષેત્રે કામ કરવા આગળ વધવા હાંકલ કરી છે. જિલ્લામાં વધતાં મગફળી અને રાયડા માટે યુવાનોએ સહકારી ક્ષેત્રે કામ કરવું જોઈએ. યુવાનોની તમામ મદદ માટે તેમણે તૈયારી દર્શાવી છે. સહકારી પ્રવૃત્તિ વધુ વેગવાન બનાવવા માટે તેમણે સણાદર ખાતે સહકારી સંસ્થા માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાની તૈયારી દર્શાવી છે. જયારે જિલ્લાના વધુમાં વધુ યુવાનો સરકારી નોકરીમાં જોડતા થાય તે માટે આ વર્ષે બનાસ ડેરી ગાંધીનગરમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરશે.
આજે યોજાયેલી સાધારણ સભામાં નિવૃત ડીજી અજય તોમર, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, દિનેશભાઈ અનાવડીયા, ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ માળી, લવિંગજી ઠાકોર, ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસ ડેરીનું નિયામક મંડળ સહીત જિલ્લાના સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.