યુક્રેન જ્યાં સુધી શાંતિ મંત્રણા માટે પ્રતિબદ્ધતા નહીં દાખવે ત્યાં સુધી લશ્કરી સહાય બંધ રહેશે : ટ્રમ્પ
કીવ : હિન્ડી ફિલ્મનો જાણીતો ડાયલોગ છે આખિર વહી હુઆ જિસકા ડર થા. યુક્રેન પર આ ડાયલોગ બરોબર ફિટ બેસે છે. ટ્રમ્પે જ્યારે શાસન સંભાળ્યું ત્યારે જ યુક્રેનને અંદાજો આવી ગયો હતો કે તેમને મળતી લશ્કરી સહાય અટકવાની છે. છેવટે આ દિવસ આવી પણ પહોંચ્યો. પ્રમુખ ઝેલેન્સ્કી સાથે જીભાજોડી પછી અમેરિકન પ્રમુખ ટ્રમ્પે યુક્રેનને મળતી લશ્કરી સહાય બંધ કરવાની જાહેરાત કરી છે.
અમેરિકાએ લશ્કરી સહાય રોકતા યુક્રેને જણાવ્યું હતું કે રશિયાની ઘૂસણખોરી સામે લડવા માટે આ સહાય અત્યંત મહત્ત્વની છે. તે રોકવામાં આવતા યુક્રેનની સ્થિતિ નબળી પડશે.
યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમેરિકાએ અત્યાર સુધી કરેલી મદદ માટે અમે આભારી છીએ અને તેની સાથે હાલમાં તથા ભવિષ્યમાં પણ કામ કરવાનું જારી રાખવા માંગીએ છીએ. આમ છતાં કોઈપણ શાંતિ મંત્રણામાં યુક્રેન હજી પણ સુરક્ષાની ખાતરી ઇચ્છે છે અને તે યુક્રેનની કોઈપણ જમીન પણ રશિયાનો કબ્જો રહે તેમ ઇચ્છતું નથી.
વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું હતું કે તે વર્તમાન યુદ્ધનો અંત લાવવા માટે આ સહાય રોકી રહ્યા છે. યુક્રેન શાંતિ મંત્રણા માટે પ્રતિબદ્દતા દર્શાવે નહીં ત્યાં સુધી અમેરિકા આ સહાય રોકેલી રાખશે.
રશિયાએ યુદ્ધ શરૂ કર્યુ ત્યારથી યુક્રેન સહાય માટે મોટાપાયા પર તેના પર આધારિત હતુ. અમેરિકા તેને અત્યાર સુધીમાં ૭૦ અબજ ડોલરની સહાય કરી ચૂક્યું છે. અમેરિકાની આ સહાયે યુક્રેનને યુદ્ધમાં ટકી રહેવામાં નોંધપાત્ર મદદ કરી છે.
ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ સાથેની જીભાજોડી બદલ તેને ખેદ છે, હવે તે આ વાતને પાછળ છોડીને આગળ વધવા માંગે છે. તેમની સાથે કામ કરવા તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પની ઓફરમાં તેમને હજી પણ રસ છે. યુક્રેનને નાટોનું સભ્યપદ ન મળે તો વાંધો નહી, પણ કમસેકમ તેને સિક્યોરિટીની ગેરંટી મળવી જોઈએ.