અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદનારા દેશો પર 500% સુધીના ટેરિફ લાદવાની ધમકી આપી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક અને મનસ્વી આર્થિક નીતિઓ ફરી એકવાર વિશ્વભરના દેશો માટે ચિંતા ઉભી કરી રહી છે. ખાસ કરીને ભારતને નિશાન બનાવતી તેમની તાજેતરની ચેતવણી વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બની છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે રશિયા સાથે વેપાર ચાલુ રાખનારા દેશો પર 500% સુધીના ટેરિફ લાદી શકાય છે. હાલ ભારત રશિયન તેલની ખરીદી પર પહેલાથી જ 25% વધારાના ટેરિફનો સામનો કરી રહ્યું છે અને નવા સંકેતો ઊર્જા ક્ષેત્રમાં અનિશ્ચિતતા વધારી રહ્યા છે.
ટ્રમ્પનું આ સખત વલણ એવા સમયે સામે આવ્યું છે જ્યારે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન 5 ડિસેમ્બરના રોજ ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી અને પુતિન વચ્ચેની ચર્ચામાં ઊર્જા સહયોગ, તેલ ખરીદી અને દ્વિપક્ષીય વેપાર મુખ્ય મુદ્દા રહેશે. પરંતુ અમેરિકા તરફથી આવી ધમકીભરી ચેતવણીને રાજદ્વારી દબાણ તરીકે જોવામાં આવી રહી છે. વિશ્લેષકોનું માનવું છે કે વોશિંગ્ટન મુંબઈ–મોસ્કો સંબંધોને નબળા પાડવા માટે પુતિનની મુલાકાત પૂર્વે જ કડક સંદેશ આપવા માગે છે.
ટ્રમ્પે જાહેરમાં જણાવ્યું છે કે તેઓ એવા કાયદાનું સમર્થન કરે છે જે રશિયા સાથે વ્યાપક વેપાર કરતા દેશો પર ‘અત્યંત કડક પ્રતિબંધો’ અથવા 500% સુધીના ટેરિફ લાદશે. અમેરિકાના રિપબ્લિકન ધારાસભ્યો પહેલેથી જ આવા બિલ પર કામ કરી રહ્યા છે. ટ્રમ્પનો દાવો છે કે આ પ્રકારનું આર્થિક દબાણ રશિયાની આવકને નુકસાન પહોંચાડી શકે છે અને યુક્રેન યુદ્ધમાં મોસ્કોની શક્તિ નબળી પડી શકે છે. તેમણે ઈરાનને પણ આ યાદીમાં ઉમેરવાની સંભાવના વ્યક્ત કરી છે, જેને કારણે પશ્ચિમ વિશ્વમાં તણાવ વધુ વધી રહ્યો છે.
ભારત રશિયાનો બીજો સૌથી મોટો તેલ ખરીદનાર દેશ છે. ઓક્ટોબર 2025 દરમિયાન ભારતમાં રશિયાથી 28,000 કરોડથી વધુનું કાચું તેલ આયાત થયું હતું. જે બંને દેશો વચ્ચેના ઊર્જા સંબંધોની મજબૂતાઈ દર્શાવે છે. પરંતુ અમેરિકાના વધતા દબાણને કારણે કેટલીક ભારતીય રિફાઇનરીઓ રશિયન તેલની ખરીદી ઘટાડવાની દિશામાં આગળ વધી રહી છે. યુએસે પહેલાથી જ બે મુખ્ય રશિયન તેલ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા છે, અને હવે ‘500% ટેરિફ’ની ચેતવણી ભારતની ઊર્જા નીતિ અને સપ્લાય ચેઇન માટે મોટો પડકાર બની શકે છે. ભારત માટે આવનારા મહિનાઓ આર્થિક અને રાજદ્વારી સ્તરે અત્યંત અગત્યના રહેશે.
ટ્રમ્પના નિવેદનને કારણે ભારતને તેની ઊર્જા નીતિ, રાજદ્વારી સંતુલન અને આર્થિક હિતોનું પુનર્મૂલ્યાંકન કરવાની જરૂર પડી શકે છે. પુતિનની મુલાકાત દરમિયાન મુખ્ય મુદ્દો એ રહેશે કે ભારત સસ્તું રશિયન તેલ પસંદ કરશે કે અમેરિકન દબાણ સામે ઝૂકશે.




