INTERNATIONAL

વેનેઝુએલાના વિપક્ષના નેતા મારિયા કોરિના મચાડોને 2025ના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા જાહેર કરાયા

વેનેઝુએલાના વિરોધ પક્ષના નેતા અને લોકશાહી કાર્યકર્તા મારિયા કોરિના મચાડો 2025ના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા બન્યા છે. આ પુરસ્કાર તેમને વેનેઝુએલાના લોકોના લોકશાહી અધિકારો અને માનવ અધિકારો માટેના અથાક સંઘર્ષ માટે આપવામાં આવ્યો છે. નોર્વેજિયન નોબેલ સમિતિએ તેમના કાર્યને અસાધારણ ગણાવીને તેમને સત્તાવાદી શાસન વિરુદ્ધ અહિંસક પ્રતિકારના પ્રતીક માન્યા છે. આ વિજય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા અન્ય ઉમેદવારોને પાછળ છોડીને મળ્યો છે, જે વેનેઝુએલાના લોકશાહી આંદોલનને વૈશ્વિક સ્તરે મજબૂતી આપે છે. મારિયાને ‘વેનેઝુએલાના આયર્ન લેડી’ તરીકે ઓળખવામાં આવે છે, તેમનું જીવન સ્વતંત્રતા અને ન્યાયની લડતનું જીવંત પ્રતિબિંબ છે.

મારિયા કોરિના મચાડોનો જન્મ 7 ઑક્ટોબર, 1967ના રોજ વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં થયો હતો. તેઓ ચાર બહેનોમાં સૌથી મોટા છે. તેમના પિતા હેનરિક મચાડો ઝુલોગા એક સફળ વ્યવસાયી હતા, જ્યારે માતા કોરિના પારિસ્કા મનોવિજ્ઞાની તરીકે કાર્યરત હતા. મારિયાનું બાળપણ શિક્ષણ અને સામાજિક મૂલ્યો પર આધારિત કુટુંબમાં વીત્યું હતું, જેને લીધે નાની ઉંમરથી જ અસમાનતા અને સામાજિક જવાબદારી પ્રત્યેની જાગૃતિ તેમનામાં વિકસી હતી. કારાકાસના શહેરી વાતાવરણમાં ઉછરીને તેમણે પરિવારના પ્રભાવથી મજબૂત અને સ્વતંત્ર વ્યક્તિત્વ વિકસાવ્યું, જે પાછળથી તેમના રાજકીય અને સામાજિક કાર્યોમાં પ્રતિબિંબિત થયું.

મારિયા કોરિનાએ એન્ડ્રેસ બેલો કેથોલિક યુનિવર્સિટીમાંથી ઔદ્યોગિક એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી અને કારાકાસના ‘ઇન્સ્ટિટ્યુટો ડી એસ્ટુડિયોસ સુપિરિયર્સ ડી એડમિનિસ્ટ્રેશન’માંથી ફાયનાન્સમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું. આ શિક્ષણે તેમને તાર્કિક વિચારસરણી અને સમસ્યાનું સમાધાન લાવવાની કુશળતા પ્રદાન કરી. તેમણે કરિયરની શરુઆત વેલેન્સિયાના ઓટો ઉદ્યોગમાં કામ કરવાથી કરી હતી.

1992માં મારિયા કોરિનાએ ‘ફંડાસિઓન એટેનિયા’(એટેનિયા ફાઉન્ડેશન)ની સ્થાપના કરી, જે અનાથ બાળકોને શિક્ષણ, આરોગ્ય અને આર્થિક તકો પૂરી પાડે છે. આ સંસ્થા તેમના જીવનનું પ્રથમ મોટું પગલું હતું, જે વેનેઝુએલાના વંચિત વર્ગોની સેવા માટે સમર્પિત હતું. 2002માં તેમણે અલેજાન્ડ્રો પ્લાઝ સાથે સુમાટે(Súmate)ની સ્થાપના કરી, જે વોટ મોનિટરિંગ અને મુક્ત ચૂંટણીઓની હિમાયત કરે છે.

મારિયા કોરિનાના સામાજિક કાર્યોએ તેમને રાજકારણ તરફ દોર્યાં. 2012માં તેમણે વેન્ટે વેનેઝુએલા પાર્ટીની સ્થાપના કરી, જે સ્વતંત્રતા અને લિબરલ વિચારધારા પર આધારિત છે. તેઓ તેના રાષ્ટ્રીય સંયોજક તરીકે કાર્યરત છે. 2011થી 2014 સુધી તેમણે વેનેઝુએલાની રાષ્ટ્રીય સભાના ચૂંટાયેલા સભ્ય તરીકે સેવા આપી, જ્યાં તેમણે ભ્રષ્ટાચાર અને અનિયંત્રિતતા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. તેઓ વારંવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે આગળ આવ્યા છે. તેમણે વિપક્ષમાં વિભાજનને દૂર કરીને એકતા લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

મારિયા કોરિનાનો સંઘર્ષ દાયકાઓથી ચાલુ છે. તેમણે હ્યુગો ચાવેઝ અને નિકોલાસ માદુરોના શાસન હેઠળ ધમકીઓ, ધરપકડ અને રાજકીય નિષેધનો સામનો કર્યો છે. તેમણે ન્યાયિક સ્વતંત્રતા, માનવ અધિકારો અને લોકપ્રિય પ્રતિનિધિત્વની હિમાયત કરી છે. તેમણે 2023માં વિરોધ પક્ષના પ્રાઇમરીમાં જીત મેળવી હતી, પરંતુ તેમને 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ લેવાથી રોકી દેવાયા હતા. માદુરો સરકારે તેમને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે, તેમ છતાં તેઓ વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરીને આંતરરાષ્ટ્રીય જાગૃતિ ફેલાવે છે. તેમના કાર્યને કારણે તેઓ આર્થિક પતન અને સામાજિક અશાંતિનો સામનો કરતાં વેનેઝુએલાના લોકો માટે આશાનું પ્રતીક બન્યા છે.

Back to top button
error: Content is protected !!